Nawanagar Time
ગુજરાત જામનગર

એલ્યુમિનિયમ ના ઘોડા ભાડે આપવાના બ્હાને 80 લાખની છેતરપિંડી

80-lakh-cheating-to-hire-aluminum-horses

એરફોર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનો દાવો કરી જામજોધપુરના 6 શખ્સોએ મુંબઇની કંપનીને ધુંબો માર્યો

જામનગર:-એલ્યુમિનિયમના ઘોડા ભાડે આપવાના બ્હાને મુંબઇની કંપની સાથે જામજોધપુરના સમાણા ગામના 6 શખ્સોએ રૂપિયા 80 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. એરફોર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનો દાવો કરી જામજોધપુરના શખ્સોએ મુંબઇની કંપની સાથે ઠગાઇ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યુ હોવાનું સૂત્રો મારફતે જાણવા મળે છે.

મૂંબઈમાં રહેતા અભય ઓમપ્રકાશ સિંગે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે મુંબઈમાં સ્થિત સ્કાર્ક એંજિનિયર્સ પ્રા.લી. કંપનીમાં જનરલ મેનેજર છે. તેની કંપની એલ્યુમિનિયમ સ્કેફોલ્ડ ( એલ્યુમિનિયમ ના ઘોડા ) વેંચવાનું અને ભાડે આપવાનું કામ કરે છે. તેની કંપનીમાં ગ્રાહકો ઓનલાઈન સંપર્ક કરે છે. 2018ના સપ્ટેમ્બર માસમાં ઉપરોકત કંપનીમાં એક ગ્રાહકે મોબાઈલ પર સંપર્ક કરી સ્કોફોલ્ડ ભાડે જોઈએ છે તેમ કહી પોતાનું નામ પ્રમોદ જણાવી અન્ય એક મોબાઈલ નંબર આપ્યો હતો. જે અભિષેકસિંહનો હોવાનું કહ્યું હતું. તેને ઇ-મેઈલ મારફતે તેની પ્રોડક્ટની બધી વિગતો પણ મોકલી આપી હતી. આ પછી જુદા જુદા કોટેશન મોકલ્યા હતા. ત્યારબાદ તેને સુપ્રીમ બિલ્ડકોન દ્વારા 22 મીટરની ઊંચાઈના 25 સ્કે ફોલ્ડ સેટ, પ્રતિસેટના રૂ. 37,400 માસિક ભાડાના મળી ટેક્સ સાથે રૂ. 11.03 લાખનો ઓર્ડર કંપનીને મળ્યો હતો. જે-તે વખતે માલ ક્યાં મોકલવાનું છે ? તેમ પૂછતા પ્રમોદ નામની વ્યક્તિએ કહ્યું હતું કે, જામજોધપુર તાલુકાનાં સમાણા ગામે એરફોર્સ સ્ટેશનના કામ માટે સામાન મોકલવાનો છે.

બધુ નક્કી થઈ ગયા બાદ અભિષેકસિંહ જાડેજાને જેનું નામ અભિજીતસિંહ જાડેજા છે તે કંપનીના જનરલ મેનેજરની ઓફિસે આવ્યો હતો અને ભાડાનો ચેક આપ્યો હતો. ચેકમાં સુપ્રીમ બિલ્ડકોનના પ્રોપરાઇટર દરજ્જે નિલેષ ચનાભાઇ ચૌહાણની સહી હતી. ત્યારબાદ જનરલ મેનેજરની ઓફિસેથી સમાન મોકલવા માટે રવાના કરાયો હતો. પરંતુ આ માલ માટે સમાણા એરફોર્સનો ગેટ પાસ બન્યો ન હોવાથી સામાન રાજકોટ ઉતરવાનું અભિષેકસિંહે જણાવતા આ માલ રાજકોટ ઉતારવામાં આવ્યો હતો.

ભાડા પેટે જે ચેક આપ્યો હતો તે બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થયો હતો. જે બાદ તમામ બાબતે કંપનીના જનરલ મેનેજરે તપાસ કરતાં રાજકોટના સેન્ટમેરી સ્કૂલ સામે સાઈબાબા કોમ્પ્લેક્ષમાં આવેલ સુપ્રીમ બિલ્ડકોનની ઓફિસ બંધ જોવા મળી હતી તેમજ સમાણા એરફોર્સમાં તપાસ કરતાં ત્યથી સુપ્રીમ બિલ્ડકોનને કોઈ વર્ક ઓર્ડર જ આપવામાં નથી આવ્યાની માહિતી બહાર આવી હતી.અંતે કંપનીના જનરલ મેનેજરે અભિજીતસિંહને ફોન કરી માલ સામાન પાછો આપવા વાત કરતાં આ બાબતે કોઈ બરાબર જવાબ મળ્યો ન હતો. સમગ્ર બનાવ અંગે કંપનીના જનરલ મેનેજરે પોલીસમાં અરજી કરતાં, પોલીસ તપાસમાં જામનગરના અભિજીતસિંહ જાડેજાએ સામાન જામનગરની ટીઆર સેલ્સ કોર્પોરેશનને વેંચી દીધાનું બહાર આવ્યું હતું. એસઑજીએ જામનગરના અભિજીતસિંહ જાડેજા, રાજૂ, સંદીપ રાઠોડ, રાજકોટના પંકજ પટેલ, કુમાર ડઢાણિયા, ગોંડલના નિલેષ ચનાભાઇ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા આરોપીઓ પોલીસ સમક્ષ પોપટ બન્યા હતા અને 47.79 લખો સામાન ઓળવી ગયાનું અને તેનું 33 લાખનું ભાડું નહીં આપ્યાનું જણાવ્યુ હતું.

Related posts

કાલાવડમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ!

Nawanagar Time

કરાર આધારીત નિમણૂંક પામેલા કર્મચારીના પગારમાં 30 ટકા કાપ

Nawanagar Time

જામનગરના પોલીસ જવાનની ફરજ નિષ્ઠાને સલામ

Nawanagar Time

Leave a Comment