જામનગર: જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું છે અને ઠંડીનો પારો સિંગલ ડિઝિટમાં રહ્યો છે. સતત પાંચમા દિવસે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. માત્ર એક ડિગ્રીના ઉછાળા સાથે ઠંડીનો પારો 10 ડિગ્રીએ સ્થિર થયો છે, પરંતુ પ્રતિ કલાકના 30 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને ઘ્રુજાવ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કડકડતી ટાઢ પડી રહી છે. ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો હોવાથી ટાઢોડું છવાયેલું રહે છે. આજે સવારે ઠંડીનો પારો માત્ર એક ડીગ્રી ઉપર ચડ્યો હતો અને તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.
પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે, પ્રતિ કલાકના 30 કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી અને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓએ ધ્રુજારી અનુભવાઈ હતી.
ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 કિમીની ઝડપે રહી હતી, જે વધીને 30 કિમી સુધી પહોંચી હતી.
ખંભાળિયામાં કાતિલ ઠંડીથી જનજીવન ઠુંઠવાયું
ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જોરદાર ઠંડીનું વર્ચસ્વ રહ્યું છે. રાત્રિ-સવારના સમયે અનુભવતી કાતિલ ઠંડીની અસર જનજીવન પર જોવા મળી રહી છે. શિયાળાના અંત ભાગ મનાતા આ દિવસોમાં અનુભવવાથી ટાઢના કારણે બજારોમાં ઢળતી સાંજે તથા વહેલી સવારે તદ્દન પાંખી અવર- જવર જોવા મળે છે. દસ ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનના પારાના કારણે જનજીવન ઠુંઠવાઈ રહ્યું છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.