Nawanagar Time
આરોગ્ય

કોરોના નથી માન્યો, ત્યાં બર્ડ ફલૂ આવ્યો!

એક તરફ વૈશ્ર્વિક મહામારી કોરોનાએ આખી દુનિયાને બાનમાં લીધી છે એટલું ઓછું હોય કોરોનાએ સ્વરૂપ બદલીને પુન: બ્રીટનથી માંડીને દુનિયામાં ફેલાવાનું શરૂ કર્યું છે! કોરોનાના કારણે આખી દુનિયાએ પોતાના સ્વજનો ગૂમાવ્યાં છે. કરોડો લોકો કોરોનાના લપેટમાં આવી ગયાં છે. જો કે, કોરોનાની વૅક્સિન આવી ચૂકી છે, પરંતુ એ કેટલી કારગત સાબિત થાય છે એ જોવાનું રહ્યું! ટૂંકમાં કોરોના પંજામાંથી મનુષ્ય છૂટી નથી ત્યાં અન્ય બિમારીઓ અસ્તિત્વમાં આવતાં લોકોની ચિંતામાં અનેકગણો વધારો થયો છે.

ઉપર જોઈ ગયાં તેમ કોરોનાનો પંજો હજુ ઢીલો પડ્યો નથી ત્યાં ભારતમાં બર્ડ ફલૂના કેસોએ દેખાદેતાં આરોગ્ય તંત્રથી માંડીને સરકારમાં દોડધામ મચી ગઈ છે. હિમાચલ, ઝારખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં બર્ડ ફલૂના કેસ આવતાં દેશ હાઈઍલર્ટમાં મૂકાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાથી મુક્ત નહીં થયેલાં દેશવાસીઓ નવી સમસ્યા આવી પડતાં ઘેરી ચિંતામાં મૂકાયાં છે.

એક અભ્યાસમાં કહેવાયું છે કે, બર્ડ ફલૂ ઍવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દ્વારા થાય છે આ વાયરસ પક્ષીઓ અને પ્રાણીઓ માટે તો જોખમી છે જ સાથે-સાથે મનુષ્ય માટે જોખમકારક છે. સંગ્રમિત પક્ષીઓ સાથે બર્ડ ફલૂના સંપર્કથી અન્ય પ્રાણીઓમાં આ વાયરસનું આદાન-પ્રદાન થાય છે અને આગળ જતાં યેનકેન પ્રકારે આ વાયરસ મનુષ્યના શરીરમાં ઘૂસ મારે છે. આ ખતરનાક વાયરસના કારણે મનવ જિંદગી ભયજનક સ્થિતિમાં મૂકાયો છે.

બર્ડ ફલૂના લક્ષણોની વાત કરીએ તો કફ, ઝાડા, માથાનો દુ:ખાવો, તાવ, વહેતું નાક અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ બર્ડ ફલૂના લક્ષણો હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં દર્દીએ પળવારનો સમય બગાડ્યા વગર યુદ્ધના ધોરણે તબીબનો સંપર્ક કરવો જોઈએ. જો કે, આ લક્ષણો ઉપરથી એવું ન કહી શકાય કે, તમો બર્ડ ફલૂની તકલીફથી સંક્રમિત છો કારણ કે આ પ્રકારના લક્ષણો વૈશ્ર્વિક મહામારી કોરોનાના પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે, આ પ્રકારના લક્ષણો જણાય તો તબીબની સલાહ લેવી નિતાંત આવશ્યક છે.

બર્ડ ફલૂના પણ અનેક પ્રકાર છે એચ-5, એન-1 (એ) ઍવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયર છે જે, મનુષ્યને પણ બક્ષતો નથી. એક અહેવાલમાં જણાવાયું છે કે, આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ 1997માં હોંગકોંગમાં જોવામાં આવ્યો હતો. આ બર્ડ ફલૂ ખાસ કરીને મરઘા ઉછેર કેન્દ્ર સાથે સંકળાયેલો હતો. તેનું કારણ એ હતું કે, એચ-5 અને એન-1 પક્ષીઓમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો વાયરસ છે આ વાયરસ ચીકનના સેવનથી સરળતાથી મનુષ્યને સંક્રમિત કરી શકે છે.

મુખ્યત: બર્ડ ફલૂ પક્ષીના મળ, આંખમાંથી નીકળતું પાણી અને આનુનાસિક સ્ત્રાવના સંપર્કમાં આવવા થી મનુષ્ય ચેપગ્રસ્ત બની શકે છે. જો કે, ચેપગ્રસ્ત ચીકનને યોગ્ય માત્રામાં તપાવવામાં આવે અને ખદખદતી ગૅસની જવાળા કે સગડીની જવાળાઓ ઉપર તપાવવામાં આવે તો બર્ડ ફલૂ ફેલાતો નથી.

ઉલ્લેખનિય છે કે, એચ-5 અને એન-1 લાંબો સમય સુધી જીવી શકે છે. દુષિત સપાટી અથવા પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળો કારણ કે, આ જ કારણ છે કે, સંક્રમિત થવાના ચાન્સ વધારે હોય છે. મરઘાના વ્યવસાય સાથે સંકળાયેલાં લોકોને આ વાયરસ લાગવાનું જોખમ સૌથી અધિક હોય છે. ઉપરાંત લોકો ચેપગ્રસ્ત સ્થળ ઉપર જાય અને પક્ષીઓના સંપર્કમાં આવે તો પણ આ સંક્રમણ ફેલાવાની તિવ્રતામાં વધારો થાય છે. ખાસ કરીને ચિકનને પૂર્ણપણે રાંધવામાં ન આવે તો આ વાયરસ ચીકનનું સેવન કરનારાઓમાં વધી જાય છે.

અંતમાં સંક્રમિત પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળો તેમજ આ પ્રકારના પક્ષીઓને ખૂલ્લામાં વિચરણ કરવા દેશો નહીં. જો તમો ઈંડા અને ચીકન આરોગવાના શોખીન હો તો ડરવાની જરૂર નથી, પરંતુ તકેદારી એ લેવાની છે કે, ઈંડાને કાચા ખાવા નહીં અને ચીકનને વ્યવસ્થિત રીતે યોગ્ય તાપમાન ઉપર રાંધ્યા બાદ જ ખાવાનો આગ્રહ રાખો. જો કે, બર્ડ ફલૂનો સંક્રમણ કાળ ચાલી રહ્યો હોય આ સંજોગોમાં શાકાહાર તરફ વળવું જ હિતાવહ રહેશે.

સંક્રમણની સારવાર
ઉપર જોઈ ગયાં તેમ અલગ-અલગ પ્રકારના બર્ડ ફલૂ હોવાના કારણે આ સંક્રમણની સારવાર પણ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. મોટા ભાગના કેસમાં દર્દીઓને ઍન્ટિવાયરલ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. જો કે, બર્ડ ફૂલાન લક્ષણો ધ્યાને આવ્યાના 48 કલાકની અંદર જો દવાઓ આપવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. બર્ડ ફલૂના કિસ્સામાં દવાઓનું સેવન માત્ર દર્દીઓએ જ નહીં પરંતુ ઘરના અન્ય સભ્યોએ પણ કરવું જોઈએ.

Related posts

કોરોનાના દર્દી ઉપર આજથી આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ

Nawanagar Time

હાડકાંની મજબૂતી આપણને કેવી રીતે ઉપયોગી છે?

Nawanagar Time

જીવલેણ મહામારીમાં વ્લાસયોયા બાળકોને કેવી રીતે સાચવશો..?

Nawanagar Time