કોલ્હાપુરી ચપ્પલનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ પ્રખ્યાત ચપ્પલની વિશેષતા એ છે કે, આ ચપ્પલમાં ખીલીનો ક્યાંય ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ચામડાંના દોરા બનાવીને ચપ્પલને બનાવવામાં આવે છે. જો કે, આપણે આજે કોલ્હાપુરી ચપ્પલની વાત નથી કરવી, પરંતુ મહારાષ્ટ્રના રમણિય સ્થળ કોલ્હાપુરની અને ત્યાંના સ્વાદિષ્ટ વ્યંજનની વાત કરવાની છે! છત્રપતિ શિવાજી મહારાજની રિયાસતનો એક ભાગ એટલે કોલ્હાપુર! ઉપરાંત ફિલ્મોના શોખીનોને ખબર જ હશે કે, વ્હી શાંતારામે ‘પ્રભાત ટોકીઝ’ની સ્થાપના કોલ્હાપુરમાં જ કરી હતી. કોલ્હાપુર તેના ખોરાક માટે પણ પ્રખ્યાત છે. જો આઠ-દસ દિવસના વૅકેશનની વ્યવસ્થા થઈ હોય અને મહારાષ્ટ્ર ફરવા જવાનો પ્લાન કર્યો હોય તો કોલ્હાપુર જવું સહેલાણીઓ માટે યાદગાર બની રહે તેમ છે. કારણ કે, અહીંના જાજરમાન કિલ્લાથી માંડીને અન્ય કેટલાંય જોવાલાયક સ્થળ છે.
મરાઠી સ્વાદનું પ્રતિબિંબ
મુંબઈમાં મરાઠા ઉપરાંત ગુજરાતી, પારસી, સિંધી, કોળી અને માછીમાર સમુદાય મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, તેથી અહીં વ્યંજનોનું મિશ્રણ જોવા મળે છે. અહીં કોઈ સ્થાનિક મસાલા નથી કે જેને માત્ર મુંબઈ નિવાસીઓના મસાલાનો સ્વાદ કહી શકાય. કારણ કે, અહીંની વસતિને ધ્યાનમાં લઈએ તો અહીંના વ્યંજનો તમામ મસાલાઓનું મિશ્રણ કહી શકાય. જો કે, કોલ્હાપુરનું એવું નથી કોલ્હાપુરના ખાદ્યપદાર્થની વાત કરીએ તો અહીંના વ્યંજનો મરાઠી સ્વાદનું પ્રતિક છે, જેવી રીતે બ્રાહ્મણોના સ્વાદનું પ્રતિબિંબ પુણે છે.
મસાલાનું મિશ્રણ
કોલ્હાપુરી મસાલા એક અસાધારણ મિશ્રણ છે, ત્યાં બે પ્રકારના મરચાં વાપરવામાં આવે છે. એક લવાંગી અને બડગી, આ મરચાને વ્યંજનોની તીક્ષ્ણતા માટે વાપરવામાં આવે છે. તેનો રંગ વધારવા માટે થોડું તેલ છંટકાવ કર્યા પછી તેઓ તડકામાં સૂકવવામાં આવે છે. તેમાં શાહી જીરું, તજ, લવીંગ, તમાલપત્ર, જાયફળ સહિતના પદાર્થો ઉમેરવામાં આવે છે. તલ અને ખસખસ પણ કેટલાક પરિવારમાં અધિક વપરાય છે. મરાઠા વસ્તી ધરાવતા પ્રદેશમાં સ્વાદના શોખીનો ઘણો આનંદ મેળવી શકે તેમ છે.
ડુંગળીનો મસાલો
રસપ્રદ વાત એ છે કે કોલ્હાપુરી મસાલાનો મોટો ભાગ સોનેરી તળેલી ડુંગળીનો બનેલો છે. ત્યાં કોપરા જેવા સુકા પદાર્થનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બંનેને સારી રીતે ફ્રાય કરવામાં આવે છે. લસણ મહારાષ્ટ્રના આ વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે, તેથી તેની કેટલીક કળીઓ પણ કોલ્હાપુરી મસાલામાં અનિવાર્યપણે ઉમેરવામાં આવે છે. શેક્યા પછી, આ મસાલા તેલનો ઉપયોગ કરીને ટકાઉ બને છે અને તીક્ષ્ણતા સાથે સુગંધનો અનન્ય સંયોજન મેળવે છે.