ગળાકાપ હરિફાઈના આ યુગમાં દરેક ક્ષેત્રે ક્ધઝયુમર્સને જુદી-જુદી સુવિધાઓ આપીને પોતાની કંપની-પ્રોડકટ્સ તરફ આકર્ષવા માટે બિઝનેસ હાઉસિસ મહેનત કરી રહ્યાં છે. આ મિકેનિઝમમાં બેન્કિંગ ક્ષેત્રે પણ લાગુ પડે છે! શરૂઆતમાં ઘણાં કિસ્સામાં એવું જોવા-સાંભળવામાં આવ્યું હશે કે, બેન્કર્સ યોગ્ય પ્રત્યુત્તર આપતાં નથી… ઉદ્ધત વર્તન કરે છે, પરંતુ હાલના યુગમાં આ બધું ચાલે તેમ નથી! કારણ કે, ગ્રાહકો પાસે વિકલ્પોના ભંડાર ભર્યા પડ્યાં છે! આજે આપણે ચર્ચા કરીએ બેંક દ્વારા ગ્રાહકોને અપાતી કેટલીક એવી સેવા કે, જેના વિશે કેટલાંક લોકો અજાણ હોઈ શકે છે.
ભારતીય સ્ટેટ બેંક અનેક સુવિધાઓ પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે જેમાંથી ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે માટે બેન્ક પોતે તમારા ઘરે આવે છે! ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધાની શરૂઆત થયા બાદથી માની લો કે, જિંદગીમાં ખૂબ જ સરળતા થઈ ગઈ હોય એવો અહેસાસ થાય છે!
હવે તો બેંક એવી-એવી સલવતો આપવા માંડી છે કે, એવા કેટલાં’ય કામ છે જેમાં બેંકમાં ધક્કો ખાવાની જરૂરિયાત રહી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટમાં અપાયેલી જાણકારી મુજબ બેન્ક તરફથી કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક રિસિવ કરવા, જીવન પ્રમાણપત્ર પિકઅપ, કેવાયસી ડોક્યુમેન્ટનું પિકઅપ, ડ્રાફ્ટની જાણકારી, ફોર્મ-15નું પિકઅપ જેવી અનેક ડોરસ્ટેપ સુવિધાઓ મળે છે. એસબીઆઈના નિયમો અનુસાર મિનિમમ 1000 રૂપિયા અને મેક્સિમમ 20,000 રૂપિયા સુધીની રોકડ રકમ તમે ડોર સ્ટેપ અંતર્ગત મંગાવી શકો છો.
જો કે, આ પહેલાં કેશ વિથડ્રોઅલ માટે રિકવેસ્ટ મોકલવાની જરૂરિયાત રહે છે. આ વિધિ કર્યા બાદ બેંક તમારા ખાતાનું ભરણું ચેક કરશે, જો ખાતામાં અપૂરતું ભંડોળ હશે તો આ ટ્રાન્ઝકશનની રિકવેસ્ટને રદ્ કરી નાખવામાં આવે છે. જો કે, ભરણું ભરપૂર હશે તો બેન્કકર્મી ખૂદ પૈસા લઈને તમારા ઘરે ડિલિવરી માટે આવે છે. ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ દ્વારા ગ્રાહકો ચેક જમા કરાવવા, પૈસા કાઢવા અને જમા કરાવવા, જીવન પ્રમાણપત્ર લેવા જેવી અનેક સુવિધાઓનો લાભ પણ લઈ શકાય છે.
વૅબસાઈટ અથવા મૉબાઈ ઍપ ઉપર રજિસ્ટ્રેશન અનિવાર્ય
ખાસ કરીને આ પ્રકારની સુવિધાઓ વયોવૃદ્ધો, પ્રજ્ઞાચક્ષુઓ અથવા તો દિવ્યાંગ લોકો માટે આશીર્વાદરૂપ છે. ડોર સ્ટેપ સર્વિસ હેઠળ બેન્કના કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા દસ્તાવેજ લઈ જઈને બેંકમાં જમા કરી દેશે. આ સુવિધાનો લાભ લેવા માટે સૌથી પહેલાં તમારે બેન્કની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા વચ્ચે (રજાના દિવસો સિવાય) કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એસબીઆઈ ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસિઝ અંગે વધુ ડિટેલ્સ માટે ગ્રાહકો પર વિઝિટ કરી શકે છે. અથવા તો તમે તમારી નજીકની એસબીઆઈ બ્રાન્ચમાં રૂબરૂ જઈને પણ સંપર્ક કરી શકાશે.