Nawanagar Time
ગુજરાત જામનગર

એસ્ટેટ વિભાગે કમિશ્નરના નામે 60 હજારનો તોડ કર્યો:સોગંદનામું

estate-department-has-60-thousand-in-the-name-of-cracking-commissioner-affidavit

ધર્મેન્દ્ર ધીરૂભાઇ ચાંદ્રા નામના આસામીએ એસ્ટેટ વિભાગમાં ચાલતા કૌભાંડનો ભાંડો ફોડ્યો : રાજભા અને સુનીલ ભાનુશાળીએ 60 હજાર કટકટાવ્યાનું સોગંદનામુ : સમાધાનમાં પાંચ લાખ મંગાયા

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ હટાવવા મામલે લાખો રૂપીયાના તોડ ખાય છે તે વાત જગજાહેર છે. ત્યારે દિગ્વીજય પ્લોટમાં આવેલા ઘાસના વાડાને હટાવવા મામલે અરજી કરનાર ધર્મેન્દ્ર ધીરૂભાઇ ચાંદ્રા નામના આસામી પાસેથી દબાણ હટાવવું હોય તો કમિશ્નરને એક લાખ આપવા પડે કહી 60 હજારનો તોડ કરતાં આ મામલે અરજદારે એન્ટી કરપ્શન બ્યુરો અને કમિશ્ર્નરને સોંગદનામાં સાથે રૂા. 60 હજાર ચુકવ્યાનું સોંગદનામું કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ તોડ કરનાર રાજભા અને સુનીલ ભાનુશાળીએ આ મામલે દબાવવા માટે સોગંદનામુ કરનારને દોઢ લાખની ઓફર કરતાં સોગંદનામુ કરનારે સમાધાનના રૂા. 5 લાખ માંગ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા માટે શરમજનક કહી શકાય તેવી આ ચોંકાવનારી ઘટનાની વિગત જોઇએ તો 49 દિગ્વીજય પ્લોટમાં આવેલો ઘાસનો વાડો ન્યુસન્સ ફેલાવતો હોય ધર્મેન્દ્ર ધીરૂભાઇ ચાંદ્રા નામના આસામીએ આ દબાણ હટાવવા માટે અરજી કરી હતી. ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવી ઉકિત મુજબ આ દબાણ હટાવવાને બદલે એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળીએ અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રાને જણાવેલ કે આ દબાણ નહીં હટે કમિશ્નર ઉપર રાજકીય પ્રેશર છે. જો દબાણ હટાવવું હોય તો રાજભાને અને કમિશ્નરને એક લાખ આપવા પડે. તો જ આ દબાણ હટે એમ છે. બીજી તરફ આ વિસ્તારના રહેવાસીઓએ દબાણ હટાવવા ઉગ્ર રજૂઆત કરતા પલભર માટે આ દબાણ હટયું હતું અને પુન: ઘાસના વાડાના માચડાં યથાવત ગોઠવાઇ ગયા હતાં.

વધુમાં આ મામલે એસ્ટેટ વિભાગના કર્મચારી સુનીલ ભાનુશાળીએ અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રાને કહયું હતું કે અસામાજીક તત્વો દબાણ કરે તો તેમાં કજીયા ફસાદ થાય અને તમારૂ નામ પોલીસમાં જાય તેના કરતાં નાણાં આપો એટલે કામ પતી જાય બીજી તરફ એક લાખ વાળો વહીવટ 60 હજારમાં નિપટાવવા નકકી થતાં રૂા. 50 હજાર રોકડા સુનિલ ભાનુશાળીના ઘરે અને 10 હજાર ઓફિસમાં આપ્યા હતાં. અને બાદમાં કમિશ્નર 24 તારીખ સુધી રજા ઉપર હોય, રજા ઉપરથી આવે પછી દબાણ હટશે.

આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની બદલી થઇ જતાં ધર્મેન્દ્ર ચાંદ્રાએ દબાણ હટાવવા ઉઘરાણીં કરી હતી. તેના જવાબમાં સુનીલ ભાનુશાળીએ કહ્યું હતું કે રાજભા અને કમિશ્નરને પૈસા દઇ દીધેલ છે. અને નવા કમિશ્નર આવે તેની સાથે નકકી કરવું પડે. અને તમારે તેમને બીજા પૈસા આપવા પડશે. આવો જવાબ સાંભળતા જ અરજદાર ચોંકી ઉઠયા હતાં અને નવા પૈસા આપવાની ના પાડતાં એસ્ટેટ વિભાગની લાલચુ ટોળકીએ તો કામ નહીં થાય તેવું કહેતાં મામલે એ.સી.બી. સુધી પહોંચ્યો છે.  દરમ્યાન અરજદાર ધર્મેન્દ્ર ચાંદ્રાએ એસ્ટેટ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા સોંગદનામું કરતાં જ રાજભા અને સુનીલ ભાનુશાળીની ટોળકીને પગ નીચેથી જમીન સરકી ગઇ છે. અને હવે સોંગદનામું કરનાર ધર્મેન્દ્ર ચાંદ્રા સાથે સોદેબાજી થઇ રહી છે. હાલમાં દોઢ લાખ રૂપીયા ચુકવવા નકકી થયું છે પરંતુ અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર ચાંદ્રાએ રૂા. 5 લાખની ડીમાન્ડ કરતાં એસ્ટેટ વિભાગ સાપે છછુંદર ગળ્યાની સ્થિતીમાં મુકાઇ ગયું છે.  ઉલ્લેખનીય  છે કે, એસ્ટેટ વિભાગનો કર્મચારી સુનિલ ભાનુશાળી અનેક ભ્રષ્ટાચાર કરી ચુકયો છે. અને સસ્પેન્ડ પણ થઇ ચુકયો છે. આમ, છતાં એસ્ટેટ વિભાગમાં વટભેર નોકરી કરી રહયો છે. અને ખુદ કમિશ્નરના નામે ખુલ્લેઆમ ઉઘરાણાં કરી રહયો છે. ત્યારે આ મામલે નવા કમિશ્નર કેવો રૂખ અપનાવે છે. તે જોવાનું રહયું.

Related posts

જામનગર શહેરમાં ઈદે મિલ્લાદનું ઝુલૂસ નહીં નિકળે: ઘરમાં જ રહી ઈબાદત કરવા અપીલ

Nawanagar Time

એલઆરડી ઉમેદવારોનો પૉસ્ટર વિરોધ

Nawanagar Time

જામનગરમાં આજે હીટવેવ-લૂ ફૂંકાશે

Nawanagar Time

Leave a Comment