Nawanagar Time
ધાર્મિક

આ રીતે જાણો હાથના રંગ પરથી માણસનું વ્યક્તિત્વ

find-out-this-as-mans-personality-from-the-hand-paint

માનવ જીવનની પ્રગતિને માટે અને માનવશરીરના અસ્તિત્વ તેમજ ટકાવ માટે ફક્ત એક જ અતિ અગત્યની વસ્તુની જરૂર છે તે લોહીનું પરિભ્રમણ. લોહીના પરિભ્રમણ ઉપર જ માનવ શરીરની સુખાકારીને આરોગ્યનો આધાર છે. લોહીનું પરિભ્રમણ જેમ વધારે સ્વતંત્ર અને સારું હોય છે તેમ શરીરનું આરોગ્ય સારું હોય છે. આરોગ્યશાસ્ત્રના તમામ સિદ્ધાંતો લોહીના પરિભ્રમણ ઉપર ભાર મૂકે છે. વૈદકશાસ્ત્રના તથા આરોગ્યશાસ્ત્રના તથા સિદ્ધાંતો આ એક જ વસ્તુ-લોહીના પરિભ્રમણ ઉપર રચાયેલા છે. સામુદ્રિક શાસ્ત્ર પણ આ મહાન વિદ્યાનથી વંચિત નથી. જે જે પ્રકારનું લોહી શરીરમાં ગતિ, ક્રિયા અને પ્રતિક્રિયા કરે છે. તે તે પ્રકારની હાથની ચામડીનો રંગ બદલાય છે. આ હાથની ચામડીના રંગ ઉપરથી મનુષ્યનું આરોગ્ય અને મનુષ્યનો સ્વભાવ તેમજ તેની પ્રકૃતિ સમજી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં રંગની અગત્ય આ કારણને અંગે જ આપવામાં આવી છે.

લોહીના પરિભ્રમણ હાથની ચામડીના પાંચ પ્રકારના રંગ થાય છે. (૧) સફેદ (૨) ફૂલ ગુલાબી (૩) પીળો, (૪) વાદળી અને (૫) રાતો. એ રંગ પ્રમાણે જ મનુષ્યનું આરોગ્ય અને પ્રકૃતિ સમજી શકાય છે. સામાન્ય રીતે પાંચ પ્રકારના હાથની ચામડીના રંગ પ્રમાણે પાંચ પ્રકારની પ્રકૃતિના મનુષ્યો હોય છે.

ધોળા કે સફેદ રંગ

નાદુરસ્ત અને નબળી તબિયત અંગે કેટલાક લોકોના હાથની ચામડીનો રંગ ધોળો થઈ જાય છે. આવા હાથવાળા માણસોના શરીરમાં લોહીનું પરિભ્રમણ સ્વચ્છ અને નિયમિત રીતે થતું નથી. તેના શરીરમાં જોઈએ તેટલી કુદરતી ગરમી હોતી નથી. પણ બરફ જેવી શીતળતા હોય છે. આવા માણસોનો સ્વભાવ અતડો, છાછીઓ, ચીડિયો અને લડકણો હોય છે. તેમના જીવનમાં જોમ સાવ હોતું નથી. આવો, મનુષ્ય નિરુત્સાહી, લાગણી વિનાનો ઠંડો, સ્વાર્થી, તર્કી અને સ્વપ્નસેવી હોય છે. આવો મનુષ્ય તાકાત વિનાનો, કંજૂસ અને એકલવાયું જીવન ગુજારવાની વૃત્તિવાળો હોય છે. તે રૂઢિના બંધનોને તિરસ્કારે છે અને દુનિયાને દાવાનળ માને છે.

ફૂલ ગુલાબી રંગ

તંદુરસ્તી અને સારી તબિયતને અંગે કેટલાકોના હાથની ચામડીનો રંગ ખીલેલા ગુલાબ જેવો સુંદર હોય છે. આવા હાથવાળાના શરીરમાં લોહીનું પરિભ્રમણ કુદરતી ગતિએ સ્વચ્છ અને નિયમિત રીતે થાય છે. આવો માણસ તનમનની સુખાકારીવાળો જીવનના જોમવાળો, શક્તિ અને ચેતનવાળો હોય છે. વળી, તે તેજસ્વી, આનંદી અને પ્રભાવશાળી પણ હોય છે. તે આકર્ષક પ્રેમની પીડાને પીછાણનારો અને તદ્નુસાર વર્તનારો હોય છે. તે દયાળુ, ઉદારને મહાનુભાવ હોય છે. દુઃખીઓનાં દુઃખ દૂર કરવાને બનતો પ્રયાસ કરનાર સહૃદયી સજ્જન હોય છે. તેને મન જીવન એટલે આનંદ અને આનંદ એટલે જીવન છે. માનવસમાજને તે દિલથી ચાહનાર હોય છે અને એ સમાજ માટે કંઈક કર્તવ્ય કરી છૂટવા તેના ઉરમાં ઊંડી ભાવના હોય છે. તેના આકર્ષણના જાદુને અંગે સુંદરીના સાથથી તે દૂર રહેતો નથી. આને અંગે તેનામાં વિલાસ અને વિહાર સર્વ સામાન્ય થઈ પડે છે. છતાં તે ભય વ્યસની કે વિકારી હોતો નથી. તે હંમેશા આશાવંત જીવન જીવે છે. આશા એના જીવનમાં અનેરા સ્વપ્ન જાગ્રત કરે છે અને એ સ્વપ્નનો સાક્ષાત્કાર કરવા તે અતુટ પ્રયાસ કરે છે.

પીળો રંગ

લોહીમાં પિત્તના અતિશય ઉછાળાને અંગે હાથની ચામડી પીળો રંગ પકડે છે. પિત્ત પ્રકૃતિવાળા માણસના હાથ હળદર જેવા પીળો હોય છે. આવા મનુષ્યનાં જીવનની ચેતના ઓછી હોય છે. શરીરમાં અશક્તિ ભરાઈ જાય અને મગજે પિત્ત ચડી જાય છે. તે ચીડિયા સ્વભાવવાળો, શોકગ્રસ્ત અને રડતી સૂરતવાળો હોય છે. તે હંમેશા જીવનની કાળી બાજુનો જ વિચાર કરે છે. દુનિયામાં તે દુઃખ સિવાય અન્ય કંઈ જોતો જ નથી. સમાજના સોહાગી સુખનો તે સદા ત્યાગ કરે છે અને માનવજાત તરફ તિરસ્કાર અને ફિટકારે વરસાવે છે. તેના દિલમાં ઝેર, વેંર, અસંતોષ અને અતૃપ્તિ ભારોભાર ભરાઈ જાય છે અને તેથી તે દિલનાં ઊભરા કાઢવા એકાંતવાસ ખોળે છે. વખત આવ્યે તે ઉધ્ધત અને ઉચ્છૃંખલ બની જાય છે. વેરનો દાવાનળ તેના દિલમાં ભડકે બળે છે અને તે દાવાનળમાં દુનિયાને બાળવા તે તત્પર થાય છે.

વાદળી રંગ-આસમાની રંગ

લોહીની અતિ ધોરી અને અચકાતી અચકાતી, મરતી મરતી ગતિએ પરિભ્રમણ કરવાની ક્રિયાને અંગે હાથના પંજાની ચામડીનો અને હાથના નખોનો ભૂરો, વાદળી કે આસમાની રંગ થાય છે. આ રંગ ભયાનકમાં ભયાનક વસ્તુ-ભારે માંદગી કે મરણનું સૂચન કરે છે. હૃદયની નબળી ગતિ થવા માંડે છે. હૃદયની નબળાઈ વધતાં છેલ્લા પારા સુધી જાય છે અને છેવટે તેનું હૃદય કાર્ય કરતું બંધ પડી જાય છે. શરીરમાંથી પ્રાણ પંખેરુ ઊડી જાય છે. ડોક્ટર લોકો આવા દર્દીઓમાં દર્દને `Weakness of the Heart’ `Heart Disease’, `Weakness of the Lungs’ નામે ઓળખાવે છે. આવા સંજોગોમાં તાત્કાલિક વૈદકીય-ડોક્ટરી ઉપચારની ખાસ જરૂર હોવાને દર્દીને ભલામણ કરવી યોગ્ય છે.

રાતો રંગ

લોહીની અતિત્વરિત વહેવાની ગતિને લીધે હાથની ચામડીનો હીંગળોક જેવો રાતો રંગ થઈ જાય છે. હીંગળોક જેવા રાતા રંગવાળા હાથની ચામડીવાળો માણસ હદથી વધારે આરોગ્યવાળો પુષ્કળ બળ અને શારીરિક શક્તિવાળો હોય છે. તે ઉત્સાહ અને આનંદથી ભરપૂર ભર્યો હોય છે. આવા પરાક્રમી અને પ્રબળ પુરુષાર્થવાળો પુરુષ કોઈપણ કામ અધૂરાં મૂક્તો નથી. તેની આદત કાર્યના છેક છેડા સુધી જવાની હોય છે, તેથી તે ‘આ પાર કે પેલે પાર’ના સ્વભાવવાળો થઈ કાર્યમાં ઝઝૂમે છે ને વિજય મેળવે છે અથવા વિનાશ મેળવે છે. આવી પ્રકૃતિવાળો પુરુષ પ્રેમની બાબતમાં, યુદ્ધની બાબતમાં, વ્યાપારની બાબતમાં, કળાની બાબતમાં કે ધર્મની બાબતમાં પૂરેપૂરો ઝનૂની હોય છે. તે કર્તવ્ય દેવતાનો સાક્ષાત્ નમૂનો હોય છે. આવા મનુષ્યનો પ્રેમ પણ અતિ તીવ્ર હોય છે તેમજ ક્રોધ પણ અતિ પ્રબળ હોઈ તેનો લડાયક ગુસ્સો પણ અતિ પ્રબળ હોય છે. (ક્રમશઃ

Related posts

એક દેડકો કરે છે આ શિવમંદિરની રક્ષા,જાણો કેમ અને ક્યાં આવેલ છે આ શિવ મંદિર…

Nawanagar Time

ખંભાળિયા બન્યું શિવમય: સોમવતી અમાસથી શિવમંદિરોમાં ભક્તો દ્વારા પૂજન-અર્ચન કરાયું

Nawanagar Time

શિવરાત્રિએ શિવજીને 1001 આખા ચોખા ચડાવવાથી થાય છે ભાગ્યની ઉન્નતિ

Nawanagar Time

Leave a Comment