મંદિર-મસ્જિદ હોય કે ગુરૂદ્વારા અથવા ગિરીજાઘર, કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર પોત-પોતાની આસ્થાનુસાર ધ્વજાજી ચડાવવામાં આવતી હોય છે. સામાન્ય રીતે હિન્દુઓના ધાર્મિક સ્થળો ઉપર ભગવા અથવા તો સફેદ રંગની ધ્વજાજી ચડાવવામાં આવતી હોય છે તો અન્ય ધર્મના લોકો પોત-પોતાની આસ્થા અને માન્યતા અનુસારના રંગની ધજા પોતાના ધાર્મિક સ્થાનના શિખર ઉપર ચડાવતાં હોય છે. બીજી તરફ વાત કરીએ તિરંગાની તો તિરંગો સરકારી ઑફિસો ઉપરાંત સ્કૂલ પ્રકારની ઈમારતો ઉપર જ જોવા મળતી હોય છે. પરંતુ શું તમો જાણો છો ભારત દેશનું એક મંદિર એવું છે કે, જ્યાં સફેદ કે ભગવા રંગની નહીં પરંતુ તિરંગાને ધ્વજાજી તરીકે ચડાવવામાં આવે છે?! જો કે, આ સ્થાન ઉપર તિરંગાની સાથે-સાથે ભગવા રંગની ધ્વજાજી પણ દૂરથી જોઈ શકાય છે. કારણ કે, હિન્દુ ધર્મમાં ભગવા રંગને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોય ભગવા રંગની ધ્વજા તો હોવી જ જોઈએ એવું ધાર્મિક લોકોનું અને સાધુ-સંતોનું માનવું છે. આપણે આજે જે મંદિરની વાત કરવાના છીંએ ત્યાં ભગવાની સાથે-સાથે તિરંગાને પણ ખૂબ જ શાન અને આદરપૂર્વક ફરકાવવામાં આવે છે.
આ અલભ્ય મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવ્યું છે, આ એક એવું મંદિર છે કે આ મંદિરના શિખર ઉપર તિરંગો બહુ જ આદરપૂર્વક ચઢાવવામાં આવે છે. આ મંદિરને અહીંના સ્થાનિક લોકો ‘પહાડી મંદિર’ તરીકે પણ ઓળખે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે, ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓને આ સ્થળ ઉપર ફાંસી આપવામાં આવતી હતી. આમ આઝાદીના દિવાનાઓને આ સ્થળ ઉપર પોતાનો દેહ ત્યાગવો પડતો હતો અને આઝાદીની અદમ્ય ઈચ્છા પોતાના પ્રાણ સાથે અધૂરી મૂકવી પડતી હતી!
પૌરાણિક માન્યાનુસાર ઝારખંડનું રાંચી શહેર નાગ દેવતાઓનું નગર હતું અહીં વસવાટ કરતાં આદિવાસીઓ નાગ દેવતાને પોતાના આરાધ્ય અને કૂળદેવતા તરીકે ખૂબ જ આદર અને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. આ જ કારણ છે કે, ઝારખંડના રાંચી સ્થિત આ મંદિરમાં આવનારા પ્રત્યેક દર્શનાર્થીઓ સૌ પહેલાં નાગ દેવતાના મંદિરમાં પૂજા-અર્ચના કરે છે અને ત્યાર બાદ જ દેવાધિ દેવ મહાદેવના દર્શનાર્થે જતાં હોય છે. એવું માનવામાં આવે છે કે, જો નાગ દેવતાની આરાધના કર્યા વગર જો મહાદેવના દર્શન કરવા ગયાં તો મહાદેવ તેઓની પૂજા-અર્ચના અને આરાધનાને ગ્રાહ્ય ગણતાં નથી.
આપણે ઉપર જોઈ ગયાં તેમજ ઝારખંડના રાંચીમાં આવેલાં આ અલભ્ય મંદિરને અહીંના સ્થાનિક લોકો ‘પહાડી મંદિર’ તરીકે પણ ઓળખાવે છે. અત્રે ઉલ્લેખ જરૂરી બને છે કે, આ પહેલાં આ મંદિરનું નામ ‘ટીરીબુરૂ’ એવું હતું. જો કે, ક્રુર અને નિર્દયી એવા અંગ્રેજોના ભારત ઉપરના શાસનકાળ દરમિયાન આ જગ્યાને ‘ફાંસી નગરી’ તરીકે ઓળખવામાં આવતી. કારણ કે, જો કોઈ સ્વાતંત્ર્ય સેનાની તેઓના હાથમાં સપડાય તો આ જ સ્થળ ઉપર સ્વાતંત્ર્ય સેનાનીઓને આ જ સ્થળ ઉપર ક્રૌર્યતાપૂર્વક ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવતાં.
અહીંના લોકો પોતાના કૂળ દેવતા તરીકે નાગદેવને ગણે છે, નાગ દેવતાની આરાધના કર્યા બાદ જ મહાદેવના દર્શનાર્થે જાય છે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ અહીંના લોકો શહીદોને પણ પોતાના આરાધ્ય ગણે છે અને શહીદોને ખૂબ જ અદબપૂર્વક નતમસ્તક થાય છે અને તેઓનું પૂજન-અર્ચન કરે છે. આ મંદિરમાં એક પથ્થર વિદ્યમાન છે, તેના ઉપર 14 અને 15મી ઓગસ્ટની રાત્રે આઝાદીનો એક હૃદયદ્રાવક સંદેશ લખવામાં આવ્યો છે.
નાગદેવતાના મંદિરની સપાટી દરિયાથી 2140 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે, જ્યારે જમીનથી તેની ઊંચાઈ અંદાજે 350 ફૂટ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, જ્યારે તમારે તમારા આરાધ્યને મળવું હોય તો ખૂબ જ કષ્ટ વેઠવા પડે છે અને જો કષ્ટ પડ્યાં બાદ જો તમો તમારા આરાધ્ય અથવા તો તમારા કૂળ દેવતાના મંદિર સુધી પહોંચો તો તમારા કૂળ દેવતાં તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમો તેમના આશીર્વાદના પાત્ર બનો છો અને કદાચ એટલે જ જેટલાં શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે એ તમામ પહાડો ઉપર જ બિરાજમાન છે. તે જ રીતે રાંચીના નાગદેવતાના મંદિર સુધી પહોંચવા માટે દર્શનાર્થીઆને અંદાજે 470થી વધારે સીડીઓ ચઢવી પડે છે.