દુનિયાના અનેક એવા રહસ્ય છે જેને ઉકેલવામાં મનુષ્ય વર્ષોથી લાગ્યો છે અને વિશ્ર્વાસ રાખે છે કે, આવનારા દિવસોમાં દુનિયાના તમામ રહસ્યો ઉકેલી લઈશું… પરંતુ પામર માણસ એ નથી જાણતો કે, સકળ બ્રહ્માંડનું વિશાળ કદ જોતાં મનુષ્ય કીડી કરતાં પણ બારિક છે! દુનિયાના કેટલાં’ય એવા રહસ્યો છે જેને ધ્યાને આવતાં મનુષ્યનું માથું ચકરાવે ચડી જાય છે. ઈજીપ્ત જ નહીં, પરંતુ ભારતમાં પણ અનેક સ્થળોએ ‘મમી’ (સંગ્રહાયેલો મૃતદેહ)ની અત્યંત બોલબાલા છે અને છેલ્લા સાડા પાંચસો વર્ષથી મમીને ભગવાન તરીકે પૂજવામાં પણ આવે છે. લોકોનું માનવું છે કે મમી એટલે જીવંત ભગવાન છે. ભારત-તીબેટના સરહદી વિસ્તારમાં આવેલાં હિમાચલના લાહૌલ સ્પિતિના ગયુ ગામમાં મળી આવેલા મમીનું રહસ્ય આજે પણ અણઉકેલ છે.
આ વિસ્તારમાં મળી આવેલા મમીનું અધ્યયન કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ મમી સાડા પાંચસો વર્ષ જૂની છે, સામાન્ય રીતે ઈજીપ્તમાં મમી બનાવતી વેળાએ મૃતદેહ ઉપર ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે જેથી મૃતદેહને સડો લાગતો નથી અને તેમાં કીડાં પણ પડતાં નથી, લેપ લગાવ્યા બાદ મમીને એક વિશેષ પ્રકારના પાટા વડે લપેટી દઈ તાબૂદમાં સુરક્ષિત રાખી દેવામાં આવે છે. જો કે, લાહૌલ સ્પિતિના ગયુ ગામમાં મળી આવેલા આ મમી ઉપર કોઈ પ્રકારનો લેપ-પાટા લગાડવામાં આવ્યાં નથી! છતાં પણ આ મમી પાંચ-પાંચ સતક બાદ પણ સુરક્ષિત છે અને આ જ રહસ્ય વૈજ્ઞાનિકોને પણ મૂંઝવી રહ્યું છે. આ જ કારણ છે કે, આ વિસ્તારમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશીઓ આવે છે અને તેમાંના કેટલાંક અધ્યયન કરનારાઓ પણ સામેલ હોય છે.
લાહૌલ સ્પિતિના ગયુ ગામના ઐતિહાસક ટેબો મઠથી અંદાજે પચાસે’ક કિલોમીટર દૂર ‘ગયુ’ નામનું એક નાનકડું ગામ છે, આ સ્થળ ઉપર વર્ષના આઠે’ક મહિના બરફનો મારો હોવાના કારણે તે દુનિયાથી વિખુટૂ જ રહે છે, આ ગામમાં કેટલાં’ય તપસ્વીઓ આવે છે અને તપસ્યામાં લિન થઈ જતાં હોવાના પણ દાખલા મળી આવ્યાં છે. તેથી એવી પણ વાયકા પ્રચલિત છે કે, મળી આવેલું આ રહસ્યમયી મમી ‘લામા સાંગલા તેનઝિંગ’નું છે. કહેવાય છે કે, તેઓ સાડા પાંચસો વર્ષ પહેલાં ગયુ ગામમાં તપસ્યા કરવા માટે આવ્યાં હતાં.
એવી પણ વાયકા છે કે, લામા સાંગલા તેનઝિંગ આધ્યત્મમાં લિન રહેતાં હતાં, તપશ્ર્ચર્યા કરવા માટે તેઓ આ દુર્ગમ વિસ્તારમાં આવ્યાં હતાં અને આ દરમિયાન જ તેઓએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો, હવે જીવ ગૂમાવ્યો હતો કે જીવનો ત્યાગ કર્યો હતો? એ બાબતે મતમતાંતરો પ્રવર્તે છે. એવું પણ કહેવાય છે કે, તેઓ જ્યારે માત્ર 45 વર્ષની યુવા અવસ્થાએ હતાં ત્યારે જ તેઓના પ્રાણ છૂટ્યાં હતાં અને બેઠકની સ્થિતિમાં જ તેઓએ પોતાના પ્રાણ ગૂમાવ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, બેઠેલી સ્થિતિમાં મમી હોય એવું આ જ કિસ્સામાં બનેલું છે.
જો કે, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના તજજ્ઞ સંશોધનકર્તાના મતાનુસાર આ મમ્મી સાડા પાંચસો વર્ષ જૂની છે અને સેંકડો વર્ષ પહેલાં બૌદ્ધ સાધુઓ ભારત અને તીબેટ વચ્ચે વ્યાપાર અનુસંધાને આવન-જાવન કરતાં હતાં. એ જ કારણે લામા સાંગલા તેનઝિંગ વર્ષો પહેલાં અહીં આવ્યાં હતાં અને ધ્યાનની મુદ્રામાં બેઠાં હતાં અને આ જ અવસ્થામાં તેઓએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી, બાદમાં તેઓના મૃતદેહને સ્તૂપમાં સાચવીને રાખી દેવામાં આવ્યો હતો.
1995માં આઈટીબીપીના જવાનો દ્વારા રસ્તો બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું હતું. રોડ બનાવવા માટે જવાનોને ખોદકામ કરવું પડતું હતું ઉપરાંત બરડ જગ્યા હોય તો નાની ઈન્ટેન્સિટીના ડાયનામાઈડ્સનો પણ ઉપયોગ કરવો પડતો હતો આ ખોદકામ દરમિયાન જ આ મમી મળી આવ્યું હતું. કહેવાય છે કે, ખોદકામ કરતી વખતે કોદાળીનો હલકો ઘા મમીના માથામાં વાગતાંની સાથે જ મમીના મસ્તકમાંથી રકતપ્રવાહ શરૂ થઈ ગયો હતો અને આ બાબતને સામાન્ય ગણી શકાય નહીં! સૌથી આશ્ર્ચર્યજનક બાબત તો એ છે કે, આટલાં વર્ષો વીતવા છતાં પણ આ મળી આવેલાં મમીના વાળ અને નખ ઉત્તરોત્તર વધી રહ્યાં છે અન આ જ કારણ છે કે, અહીંના સ્થાનિકો આ મમીને જીવંત ભગવાન ગણે છે અને તેની પૂજા કરવા માંડ્યા છે.
વર્ષ 2009 સુધી આ મમીને આઇટીબીપી કેમ્પસમાં રખાયું હતું
આઈટીબીપીના જવાનો દ્વારા રસ્તો બનાવવાનું કામ જોરશોરથી ચાલુ હતું એ કામ દરમિયાન મમીના માથા ઉપર કોદાળીનો ઘા લાગતાં રકતસ્ત્રાવ ચાલુ થઈ ગયો હતો, એ ઘાનું નિશાન આજે પણ મમીના મસ્તક ઉપર જોઈ શકાય છે. 2009 સુધીમાં આ મમીને આઇટીબીપી કેમ્પસમાં રાખવામાં આવ્યુ હતુ. જોનારાઓની ભીડ જોઇને આ મમીની સ્થાપના પાછળથી તેના ગામમાં થઈ. તમે સિમલા અને મનાલી બંનેથી જઇને ગયુ ગામ પહોંચી શકાય છે.