Nawanagar Time
ગુજરાત જામનગર

હાલાર પંથકના ખેડૂતોને રોવડાવતું ‘માવઠું’

hailar-dynasty-farmers-mother

ચણાં, જીરૂ, ધાણાં, ઘઉં, લસણ-ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકશાન પહોંચવાની દહેશત

જામનગર:-ગઈકાલે વૅસ્ટર્ન ડિર્સ્ટબન્સ બાદ હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે સમગ્ર હાલાર પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના વાડી-ખેતરમાં ઊભેલા મોલને વ્યાપક નુકશાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને ચોમાસું પાકમાં નુકશાની વેઠવી પડી છે. ત્યારે શિયાળુ પાકમાં ખેડૂતોએ ભારે મહેનત બાદ ઉગાડેલાં ચણા, જીરૂ, ધાણાં, લસણ-ડુંગળી સહિતના પાકો તૈયાર થવામાં છે ત્યારે જ માવઠું થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે બપોર બાદ હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે દ્વારકા, ઓખા, મીઠાપુર, સૂરજકરાડી, ભાણવડ, લાલપુર, જામજોધપુર સહિતના પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં અને ક્યાંક તો પાણી પણ વહી નીકળ્યા હતાં. વધુમાં માવઠાને પગલે ખાસ કરીને જામજોધપુર, લાલપુર, ભાણવડ, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ખેડૂતોના શિયાળુ પાકને વ્યાપક અસર પહોંચી હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે હાલાર પંથકના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોમાં નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં થોડા-ઘણાં પીયતની વ્યવસ્થા ધરાવતા મોટા ભાગના ખેડૂતોએ પોતાના વાડી-ખેતરમાં ઘઉં, ચણાં, લસણ-ડુંગળી, મેથી, જીરૂ સહિતના પાકો ઉગાડ્યા છે અને મોટા ભાગના ખેડૂતોના પાક ફુલે-ફાલે છે અને કેટલાંક ખેડૂતોના પાક તો તૈયાર થઈ ગયાં છે. આ સંજોગોમાં ગઈકાલે અચાનક માવઠું થતાં ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકશાન થવાની સાથે-સાથે પશુધન માટે વાડી-ખેતરોમાં ખૂલ્લામાં રાખવામાં આવેલા નીરણ-કડબ અને મગફળીના ભૂક્કા પણ પલળી ગયાં હોય, ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા વૅસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે આ માવઠું થયું હોવાનું જણાવાયું છે અને હજુ પણ આગામી બે-ચાર દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની ધારણા કરી છે ત્યારે માવઠાને કારણે ભેજ યથાવત રહેતાં ચણાં, જીરૂ અને ઘઉં જેવા પાકોને નુકસાન પહોંચે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Related posts

સલાયામાં બે પોલીસકર્મીઓ ચલાવે છે દારૂના અડ્ડા…!

Nawanagar Time

ખંભાળિયામાં મકાન પચાવી પાડવા જીવતી માતાની કપાતરે અવસાન નોંધ પ્રસિદ્ધ કરાવી

Nawanagar Time

બેટ-દ્વારકા, પીરોટન, આલિયા સહિતના 23 ટાપુઓ વિકસાવવામાં આવશે, પ્રથમ બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય

Nawanagar Time

Leave a Comment