Nawanagar Time
દ્વારકા

દ્વારકા જિલ્લામાં કાતિલ ઠંડી વચ્ચે પણ સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ખંભાળિયા : રાજ્યમાં ગત સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા સ્થળોએ ચૂંટણી યોજાનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળિયા નગરપાલિકા, રાવલ નગરપાલિકા, ખંભાળિયા તાલુકા પંચાયત, કલ્યાણપુર તાલુકા પંચાયત અને દ્વારકા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. હાલ કાતિલ ઠંડીનો માહોલ હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા રાજકારણ ગરમાયું છે અને દિવસ ઉપરાંત રાત્રિના પણ ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયા બાદ બીજી વખત યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ વખતે ભારે રસાકસી થનાર છે. 22 બેઠકો ધરાવતી દ્વારકા જિલ્લા પંચાયતમાં ગત વખતે કોંગ્રેસનાં સિમ્બોલ ઉપર 11, ભાજપના 9 તથા 2 અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. જેમાં છેલ્લે ભાજપનું શાસન રહ્યું હતું. આ વખતે પણ વઘુ બેઠક અંકે કરવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવશે.

આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ આગામી માસમાં યોજાનાર છે. જેમાં જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લી ત્રણ ટર્મથી સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં સાત વોર્ડના કુલ 28 સભ્યો માટેની ચૂંટણી પણ નગરજનોમાં ભારે રસાકસીપૂર્ણ મનાય છે. ગત ટર્મમાં ભાજપના 21 સભ્યો વચ્ચે કોંગી સદસ્યોએ પણ વિપક્ષ તરીકે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યારે શહેરને કનડતા કેટલાક પ્રશ્ર્નો વચ્ચે કોંગ્રેસ દ્વારા પણ વધુ સીટ અંકે કરવા નોંધપાત્ર કવાયત હાથ ધરાઇ છે. આ સાથે ભાજપ દ્વારા પણ ટકોરાબંધ ઉમેદવારોની પસંદગી કરવા વિવિધ પાસાઓ તથા પરિબળોનું નિરીક્ષણ કરી અને 132 માંથી 28 સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવશે.

આ સાથે રાવલ નગરપાલિકાની 24 બેઠક માટેની ચૂંટણી પણ આગામી 28 મીના રોજ યોજાનાર છે. ગત્ ટર્મમાં બહુમતીથી ઉભરી આવેલો કોંગ્રેસ પક્ષ અંતમાં ધોવાઈ ગયો હતો અને છેલ્લે રાવલ નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું હતું. ત્યારે આ ચૂંટણીમાં પણ ખાસ કરીને બંને રાજકીય પક્ષો દ્વારા પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ સાથે જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં પણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આમ, સમગ્ર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે ખાસ કરીને બે રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

જ્યારે વિકાસકાર્યોમાં ઉણા ઉતરેલા સ્થાનિક સેવકોને સબક શીખવાડવા તથા આગામી સમયમાં પોતાના વિસ્તારમાં વધુ સુખ- સુવિધા પ્રાપ્ય બને તે માટે પ્રબુધ્ધ- સ્થાનિક લોકો પણ તમામ પાસાઓ અને પરિબળો વિચારીને મતદાન કરશે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ કાતિલ ઠંડીના માહોલમાં ચૂંટણીલક્ષી ગરમાવો પણ પ્રસરી ગયો છે.

Related posts

ખંભાળીયામાં સરકારી કોલેજ શરૂ કરવા રજૂઆત, વિદ્યાર્થીઓ ભારતીય બેઠકમાં અભ્યાસ કરવા મજબૂર

Nawanagar Time

રાજસ્થાનથી સિમેન્ટ ટેન્કરમાં 16 લાખનો દારૂ ખંભાળિયા પહોંચી ગયો!

Nawanagar Time

દ્વારકામાં બે, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ

Nawanagar Time