Nawanagar Time
જામનગર

જામનગરમાં કુખ્યાત શખ્સ સહિત ત્રણનો હંગામોઃ વેપારીઓમાં રોષ

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈરાત્રે ચાલી રહેલા બટુક ભોજનના કાર્યક્રમમાં એક કુખ્યાત શખ્સ તથા તેના બે સાગરિતોએ વિક્ષેપ કરી કથિત રીતે રિવોલ્વર કાઢયાની ચર્ચા ઉઠી છે. આ વેળાએ મચેલી અફડાતફડી વચ્ચે આ શખ્સોના ત્રાસથી વાજ આવી ગયેલા વેપારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા સવારે પોતાની દુકાનો ખોલી ન હતી. બનાવની જાણ થતા એસપી દોડી આવ્યા હતા તેઓએ અગ્રણીઓની રજૂઆત સાંભળ્યા પછી કડક પગલા ભરવાની ખાતરી આપતા દુકાનો ખોલી નાખવામાં આવી હતી. આ બનાવે હવાઈચોકથી પવનચક્કી સુધીના વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે રાત્રે કુખ્યાત ગણાતા ઈકબાલ બાઠિયા તથા બે અજાણ્યા તેના સાગરિતોએ બટુક ભોજનના કાર્યક્રમમાં એન્ટ્રી મારી તરખાટ મચાવતા ભારે ચકચાર જાગી હતી. આ શખ્સોના કૃત્યના પગલે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજ સવારથી હવાઈચોક, કિસાન ચોક, તળાવની પાળ અને પવનચક્કી વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી રોષ વ્યકત કર્યાે હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત સાંભળવા માટે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ આજે બપોરે તે વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત સાંભળ્યા પછી વિધિવત ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચવાની અને જવાબદારો સામે કડક પગલા ભરવાની ખાતરી આપતા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી નાખી હતી.

ઉપરોકત બનાવ અંગે મિલન શશીકાંત હંજડાએ જુદા જુદા બે આવેદનપત્ર જિલ્લા પોલીસવડાને પાઠવ્યા છે જેમાં જણાવ્યા મુજબ જામનગરના પવનચક્કી વિસ્તાર પાસે આવેલા જૂના સિટી બસ ગેરેજ નજીક ગઈકાલે રાત્રે મિલન શશીકાંત હંજડા તથા તે વિસ્તારના કેટલાક યુવાનો દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૃપે ભટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્થળે રાત્રે સાડા નવેક વાગ્યે જામનગરનો કુખ્યાત શખ્સ ઈકબાલ બાઠિયો તથા અન્ય બે શખ્સો મોટરમાં ધસી આવ્યા હતા.

આ શખ્સોએ મિલન હંજડાને કાંઠલો પકડી તારે તારા વિસ્તારમાં ધંધો કરવો હોય તો અમોને નિયમિત હપ્તા આપવા પડશે તેમ કહી ગાળો ભાંડવાનું શરૃ કરતા ચાલી રહેલા ભટુક ભોજનના કાર્યક્રમમાં અફડાતફડી મચી ગઈ હતી. ઈકબાલે પોતાના અન્ય સાગરિતોને પણ મોબાઈલ પરથી કોલ કરી હથિયારો સાથે અહી આવી જાવ તેવી સૂચના આપતા કાર્યક્રમના આયોજકો એકઠા થઈ ગયા હતા. આ વેળાએ ઈકબાલે કથિત રીતે પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી ફાયરીંગનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ મિલન હંજડાએ બચાવો બચાવોની બૂમો પાડતા ગભરાયેલા ઈકબાલ અને તેના બે સાગરિતો પૂરઝડપે મોટર ચલાવી નાસી ગયા હતા.

આ પ્રકારની રજૂઆત સાથે મિલન હંજડાએ આજે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલને આવેદન પત્ર પાઠવ્ય્ું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ ખંભાળિયા નાકા, હવાઈચોક, કિસાન ચોક, દ્વારકાપુરી રોડ વગેરે વિસ્તારોમાં વ્યવસાય કરતા વેપારીઓને ઉપરોકત શખ્સો અવારનવાર પરેશાન કરી નાખતા હોવાનું પણ ઉમેર્યું છે. ચારેક દિવસ પહેલા પણ આવી જ રજૂઆત ત્યાંના વેપારીઓએ ખંભાળિયા નાકા પોલીસચોકીમાં કરી હતી જેના પગલે ત્યાંના પીએસઆઈએ તાત્કાલિક પગલા ભરી કેટલાક આવારા તત્ત્વોને નસાડયા હતા તેમ છતાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ યથાવત રહ્યો છે.

Related posts

ખંભાળિયા: એરટેલ, જીટીપીએલના કૅબલ કપાતાં મૉબાઈલ-ટીવી બંધ

Nawanagar Time

જામનગરમાં વીજ ચેકીંગ ડીંડકનો પર્દાફાશ

Nawanagar Time

જામનગર તાલુકામાં માટીકામ કૌભાંડની તપાસની માંગણી કરતા મહિલા સદસ્ય

Nawanagar Time

Leave a Comment