Nawanagar Time
ગુજરાત જામનગર

‘ટાટ’ પેપરલિક મામલે અંતે શાળાના આચાર્ય વિરૂદ્ધ ગુન્હો

in-the-matter-of-tata-paper-crime-against-school-principal

સત્યસાઈ સ્કૂલના સંચાલકે ‘ટાટ’ની પરીક્ષામાં પ્રશ્ર્નપત્રના કવરનું સીલ તોડી નાખ્યાનું સ્પષ્ટ: જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગુન્હો નોંધાવાયો: ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ

જામનગર:-રાજ્યભરમાં રવિવારે રદ થયેલ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં જામનગરમાં સત્યસાઈ શાળાના બ્લોક સુપરવાઈઝર દ્વારા નિયત સમય પૂર્વે જ પેપર લીક કરી દેવાયું હોવાની ઘટના સામે આવતા શિક્ષણની સાથે જીલ્લા પ્રસાસન અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. સ્થળ નિરીક્ષક દ્વારા સમય પૂર્વે જ બંધ કવર તોડી કોઈને ફાયદો પહોચાડવાના ઈરાદે સરકાર સાથે કરેલ વિસ્વાસઘાત સંબંધે શિક્ષણવિભાગ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર સહીત રાજ્યભરમાં ગઈ કાલે શિક્ષક અભીયોગ્યતા કસોટી (ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ- ટાટ ) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાના શિક્ષકોની પસંદગી પ્રક્રિયા સંદર્ભે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જામનગરમાં જુદા જુદા 25 કેન્દ્રોમાં 6566 પરીક્ષાર્થીઓની કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્યસાઈ સ્કુલના યુનિટ નંબર પાંચમાં બ્લોક નંબર બેમાં સ્થળ સંચાલક મનીષ બુચ દ્વારા નિયત સમયે પરીક્ષાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. 30 પરીક્ષાર્થીઓ પૈકીના 24 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરંતુ પેપર શરુ થાય તે પૂર્વે જ સ્થળ સંચાલકે પેપરનું કવર ખોલી નાખ્યાનું સામે આવતા હાજર ઉમેદવારોએ વાંધો લીધો હતો. અમે તો આમ જ પેપર લઈએ છીએ એમ સ્થળ સંચાલકે કહેતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને પરીક્ષા સંચાલકોની ટીમ સ્થળ પર પહોચી હતી. જીલ્લા પરીક્ષા કો-ઓર્ડીનેટર એસ જે ડુમરાણીયા સહિતના સ્ટાફે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી ઉમેદવારોને પરીક્ષા આપવા સમજાવ્યા હતા. પેપર સીલ તૂટવાને લઈને પ્રાંત અધિકારી સોલંકી, ડીવાયએસપી એ પી જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. શિક્ષણ વિભાગની જવાબદાર ટીમે કલેકટર અને રાજ્ય શિક્ષણ બોર્ડને ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ જે કોઈની બેદરકારી છે તેની સામે કડક કાર્યવાહીની ખાત્રી આપવામાં આવતા 17 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જયારે અન્ય સાત ઉમેદવારોએ પરીક્ષાનો બહિસ્કાર કર્યો હતો. બ્લોક બે માં થયેલ ગફલતને લઈને 17 ઉમેદવારોની પરીક્ષા દોઢ કલાક મોડી લેવામાં આવી હતી.

આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી જીલ્લા શીક્ષણ વિભાગના બીનાબેન દવે દ્વારા સત્યસાઈ શાળાના સ્થળ નિરીક્ષક સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં યુનિટ પાંચના સંચાલક મનીષ બુચે રાજ્ય સેવક હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવી કોઈ વિદ્યાથીને ફાયદો થાય તે રીતે અથવા બીજા કોઈ અંગત કારણોસર પોતાની જાતે પરીક્ષા સમય પહેલા જ પેપરનું બંધ કવર (શીલ) તોડી રાજ્ય પરીક્ષા બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરી, બેદરકારી દાખવી રાજ્ય સેવક તરીકે સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી મનીષ બુચ સામે આઈપીસી કલમ 406, 409, 461, 462, 188 મુજબ ફરિયાદ નોંધી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી ડીવાયએસપીને તપાસ સોંપી દેવામાં આવી છે.

જે બ્લોકમાં આ હોબાળો થયો છે તે જ બ્લોકમાં સત્યસાઈ શાળામાં હંગામી નોકરી કરતો દેવાંગ રતિલાલ નિમાવત પણ પરીક્ષા આપતો હતો. આ પરીક્ષાર્થીના પેપરનું શીલ પણ અગાઉથી જ તૂટી ગયું હોવાનું સામે આવ્યું છે. જેથી આ ઉમેદવારને મદદરૂપ થવાના ઈરાદે જ આ કાંડ આચરવામાં આવ્યું છે કે કેમ ? તે તપાસની વિષય બન્યો છે.

Related posts

કોરોના જાગૃતિ માટે કડિયા બજારમાં અનોખો પ્રયોગ

Nawanagar Time

ખીજડિયા બાયપાસ નજીક 3.83 લાખની ચોરીમાં બોલેરો ચાલક જ ચોર નીકળ્યો

Nawanagar Time

લોકરક્ષકની ભરતીમાં અન્યાય સામે માલધારી સમાજ લાલઘૂમ

Nawanagar Time

Leave a Comment