Nawanagar Time
ગુજરાત જામનગર

ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસમાં અસંતોષની આગ

jamnagar-congress-fires-of-dissatisfaction-before-the-election

ટોંચના નેતાએ પીઢ કોંગી અગ્રણી ડૉ.દિનેશ પરમાર, બિપેન્દ્રસિંહ જાડેજા અને યુસૂફ ખફી જેવા દિગ્ગજને સાઈડલાઈન કરતાં ભડકો

જામનગર:-લોકસભાની સામાન્ય ચૂટણી-વિધાનસભા પેટા ચૂંટણી ટાંકણે જ જામનગર કોંગ્રેસમાં અસંતોષની આગના લબકારા ઉઠવા શરૂ થઈ ગયાં છે.  કોંગ્રેસને એક બનાવવા મથતી પ્રદેશની નેતાગીરીને જોરદાર ઝટકો લાગ્યો છે. કારણ કે, બે દિવસ પૂર્વે શહેરની ભાગોળે આવેલી સેવન સિઝન રિસોર્ટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તડાં ઉડીને આંખે વળગે એવા જોવા મળ્યાં હતાં. અહીં તમામ નગરસેવકોને હાજર રહેવા ફરમાન હોવા છતાં સોળ પૈકી માત્ર છ નગરસેવકો જ હાજર  હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, લોકસભા સામાન્ય ચૂંટણી અને જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે, કોંગ્રેસ દ્વારા જામનગર (ગ્રામ્ય) બેઠક જાળવી રાખવા અને લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા એક બન્યા વગર છૂટકો નથી. તેવા સમયે જ એક ટોંચના કોંગી અગ્રણીના એકચક્રી શાસનમાં પૂર્વ  મંત્રી ડૉ. દિનેશ પરમાર, પ્રદેશ કોંગી અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી યુસૂફ ખફી જેવા વજનદાર કોંગ્રેસી નેતાઓને મહત્ત્વની બેઠકમાં આમંત્રણ ન અપાતાં તેની સીધી અસર કોંગ્રેસના માળખા ઉપર જોવા મળી છે.

બીજી તરફ, બુધવારે કોંગ્રેસ દ્વારા પોતાની તાકાત બતાવવા તેમજ આગામી ચૂંટણીની રણનીતિ અંગે શહેરની ભાગોળે આવેલ સેવન  રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ નગરસેવકોને હાજર રહેવા ફરમાન હોવા છતાં જામનગર મહાનગર પાલિકાના નગરસેવક યુસૂફ ખફી અસલમ ખિલજી, કાસમ ખફી, મેઘનાબેન પટેલ, મરિયમબેન સુમરા, ફેમિનાબેન, આનંદભાઈ ગોહિલ, નીતાબેન પરમાર, સરલાબેન દોંગા સહિતના દસ નગરસેવકોની ગેરહાજરી સૌ કોઈને ઉડીને આંખો વળગે તેવી હતી.

ઉલ્લેખનિય  કે, આ પત્રકાર પરિષદ સમયે પણ કોંગી નગરસેવકોનો અસંતોષની વ્યાપક ચર્ચા થતી જોવા મળી હતી. આ સંજોગોમાં જો લોકસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસની આ સ્થિતિ છે ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસને જામનગર લોકસભા અને જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મળવી તો ઠીક, હરિફોને લડત આપવી પણ મુશ્કેલ બને તેમ  સ્પષ્ટ અણસારો મળી રહ્યાં છે.

Related posts

લોકોને બે કિ.મી.નો ધક્કો થાય છે!

Nawanagar Time

ઊંડ-1 સિંચાઈ યોજના કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો ભોગ બનતા ખેડૂતો

Nawanagar Time

કાલે વસઈ ખાતે નવી સુવિધા સાથે વડીલોના વાત્સલ્યધામનું વાસ્તુપૂજન

Nawanagar Time

Leave a Comment