Nawanagar Time
જામનગર

જામનગરઃ સિક્યોરિટી ગાર્ડ દ્વારા થયું ફાયરીંગ.. જાણો સમગ્ર ઘટના..

jamnagar-atm-center-fired-in-front-of-security-guard-against-crime

જામનગરના લાલબંગલા વિસ્તારમાં આવેલા એક ખાનગી બેંકના એટીએમ સેન્ટરમાં આજે સવારે કેશ ભરવા માટે આવેલી બેંકની વેનમાં સાથે રહેલા રાયફલવાળા સિક્યોરિટી ગાર્ડની ગફલતના કારણે એક ફાયર થયો હતો. આકાશ પરથી નાળચાવાળી રાયફલમાંથી વછૂટેલી  ગોળીએ એટીએમ સેન્ટરના કાચનો ભૂક્કો બોલાવ્યો હતો. બનાવની જાણ થતા એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. આ બનાવની હાલમાં જાણવાજોગ નોંધાઈ છે. પોલીસે એફએસએલની મદદ મેળવી છે, સ્થળ પરથી ફૂટેલા કારતૂસનું એક ખોખું સાંપડયું છે જેના પગલે એક જ ફાયર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

જામનગરના લાલબંગલા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ પર આજે સવારે સાડા દસેક વાગ્યે નિત્યક્રમ મુજબ બેંકની જામનગરની મુખ્ય શાખામાંથી રવાના કરવામાં આવેલી પૈસા સાથેની વેન આવી પહોંચી હતી. આ વેનમાં સુરક્ષાના કારણોસર સાથે રાખવામાં આવેલા સિક્યોરિટી ગાર્ડ મુસ્તાક અહેમદ સહિતના વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા.

આ વેળાએ વેનમાંથી પૈસા ભરેલી પેટી બહાર કાઢયા પછી તેને એટીએમ સેન્ટર સુધી લઈ જવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ભરેલી બંદૂક (રાયફલ) સાથે ચાલી રહેલા સિક્યોરિટી ગાર્ડ મુસ્તાકે બંધ એટીએમના શટર ખોલવા માટે નીચા નમી શટરનું હેન્ડલ ઉંચક્યું ત્યારે જ તેની ગફલતના કારણે લોડેડ રાખવામાં આવેલી રાયફલનો સેફટી કેચ ખૂલ્લો રહી ગયો હોય તેની હાથની આંગળીઓ રાયફલના ટ્રીગર પર દબાઈ ગઈ હતી જેના કારણે ગાર્ડના ખભ્ભે ટીંગાડેલી અને આકાશ તરફ જેનું નાળચું હતું તે રાયફલમાંથી ફાયર  થયો હતો અને તેમાંથી વછૂટેલી ગોળી એટીએમ સેન્ટરના કાચનો ભૂક્કો બોલાવી ગઈ હતી.

અચાનક જ ફાયરીંગના ધડાકાથી ત્યાં દુકાનોમાં હાજર વેપારીઓ તેમજ સામે આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં હાજર વ્યક્તિઓ દોડી આવ્યા હતા તે દરમ્યાન જ કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી તેથી સિટી-બીના ઈન્ચાર્જ પીઆઈ વી.એસ. લાંબા તેમજ એલસીબીનો કાફલો બનાવના સ્થળે દોડયો હતો. જયારે એસપી શરદ સિંઘલને પણ વિગત મળતા તેઓ પણ બનાવના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે ફાયરીંગ કેવી રીતે થયું? તેની તાત્કાલિક હાથ ધરેલી તપાસમાં ઉપરોકત વિગતો બહાર આવી હતી તેમ છતાં પીઆઈ લાંબાએ એટીએમમાં રહેલા સીસીટીવીના ફૂટેજ તેમજ આજુબાજુની દુકાનોમાં રહેલા સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા. જ્યારે ફાયરીંગ થયું હોવાની બાબત એફએસએલના ધ્યાનમાં મૂકાતા એફએસએલનો કાફલો પણ બનાવના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે એટીએમના શટર ફરીથી બંધ કરાવી તે વિસ્તારમાં ફૂટેલું કારતૂસ શોધવા એફએસએલની મદદ લેતા તે સ્થળેથી કારતૂસનું એક ખાલી ખોખું સાંપડયું છે. આથી સિક્યોરિટી ગાર્ડની રાયફલમાંથી એક જ ફાયર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે પોલીસે હાલમાં જાણવાજોગ નોંધી છે ત્યારે પીઆઈ લાંબાના જણાવ્યા મુજબ આ બેંકની કેશ ભરવા આવેલી વેનમાં સાથે આવેલા સિક્યોરિટી ગાર્ડની ગફલતથી ફાયફલનો સેફટી કેચ ખૂલ્લો રહી ગયો હોવાનું જણાવી આ બાબતની તપાસ કર્યા પછી તેનો ગુન્હો નોંધવા અંગે કાર્યવાહી કરાશે તેમ ઉમેર્યું છે.

Related posts

જામનગરમાં 43 દિવસમાં 8815 ભૂતિયા નળ જોડાણ ઝડપાયા

Nawanagar Time

જામનગરના બાડા ગામે અશક્ત મહિલાને કૂતરાંઓએ ફાડી ખાધાં

Nawanagar Time

ડીડીઓની ઉપરવટ જઈને વર્ક આસિસ્ટન્ટની રજા મંજૂર કરતાં વિવાદ

Nawanagar Time

Leave a Comment