Nawanagar Time
જામનગર ગ્રામ્ય

તસ્કર નો તરખાટ : કાલાવડમાં અપના બજારમાં બાકોરૃં પાડી છપ્પન બાટલા ઉઠાવી જતાં તસ્કર.

કાલાવડની અપના બજાર ગેસ એજન્સીમાં શનિવારે રાત્રે ત્રાટકેલા કોઈ તસ્કરો દીવાલમાં બાકોરૃં પાડી તેમાંથી રાંધણગેસના ભરેલા છપ્પન બાટલા સેરવી ગયા છે. જ્યારે બે દુકાનમાંથી ભરબપોરે કાઉન્ટરમાંથી રોકડ ઉપડી ગયાની બે મહિના પહેલાની ફરિયાદ પણ પોલીસ દફતરે નોંધાવા પામી છે.

કાલાવડના ખત્રીવાડમાં રહેતા અને ત્યાં આવેલી અપના બજાર ગેસ એજન્સીમાં મેનેજરની નોકરી કરતા ફિરોઝ હાતીમભાઈ સાદીકોટ શનિવારે રાત્રે આઠેક વાગ્યે અપના બજારનું ગોદામ બંધ કરી ઘેર ગયા પછી જ્યારે ગઈકાલે બપોરે પરત આવ્યા ત્યારે તેઓએ ગોદામની દીવાલમાં બાકોરૃ પડેલું જોયું હતું.

આ સ્થળે મેનેજરે તપાસ કરતા તેમાંથી રાત્રિના સમય દરમ્યાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ વારાફરતી છપ્પન સિલિન્ડર બહાર કાઢી લઈ તેની ચોરી કર્યાની વિગત મળી હતી. આથી ફિરોઝભાઈએ ગઈકાલે રાત્રે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલ રૃા.૨,૧૨,૪૬૪ની કિંમતના રાંધણગેસના ભરેલા બાટલા ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

કાલાવડના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી દેવજીભાઈ રવજીભાઈ તારપરાની પાવન એગ્રો નામની દુકાનમાંથી ગઈ તા.૨૯-૧૦ના દિને ભરબપોરે દુકાનના કાઉન્ટરમાંથી રૃા.૭પ૦૦ રોકડા ચોરાઈ ગયા હતા. જ્યારે બાજુમાં જ આવેલી બીજી દુકાનના કાઉન્ટરમાંથી પણ રૃા.૭ હજાર રોકડની ઉઠાંતરી થઈ હતી. આ બન્ને ચોરીઓની ગઈકાલે દેવજીભાઈએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકદાર તરીકે ગોંડલના અહેમદ મેમણ તથા રીઝવાન મેમણના નામ આપ્યા છે. પોલીસના હાથમાં આવી ગયેલા આ બન્ને શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

Related posts

નિકાવામાં ત્રણ ઈંચ ખાબકતાં મગફળીના પાથરા તણાંયા

Nawanagar Time

કરોડો રૂપિયાની સરકારી જમીન બની દબાણમુક્ત, ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી

Nawanagar Time

તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક સંપન્ન

Nawanagar Time

Leave a Comment