Nawanagar Time
ધાર્મિક

રંગભરી એકાદશીના દિવસે ગૌરીને કાશી લાવશે કાશી વિશ્વનાથ, છે 350 વર્ષ જૂની પરંપરા

kashi-vishwanath-a-350-year-old-tradition-will-bring-gauri-to-kashi-on-the-day-of-colorful-ekadashi

કાશી વિશ્વનાથની નગરી કાશી કે જેને આપણે વારાણસી તરીકે પણ ઓળખીયે છીએ તે સામાન્ય રીતે સાતેય વાર અને તેરેય તહેવાર માટે જાણીતી છે. આમછતાં ફાગણ મહિનામાં આવતી રંગભરી એકાદશીનું કાશીમાં વિશેષ મહત્વ હોય છે. આ દિવસે બાબા કાશી વિશ્વનાથની જાનનો નજારો જોવા જેવો હોય છે. તે ગૌરીને લઈને કાશી આવે છે. આ વર્ષે આ દિવસ 17મી માર્ચે ઉજવવામાં આવશે. હાલમાં ગોરી અને શિવની જાન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દિવસે ઓઘડ ગણાતા શિવ પોતાના રાજસી સ્વરૂપમાં જોવા મળે છે. તેમના દર્શન જીવનની અવિસ્મરણીય પળ હોય છે. કાશીના રક્ષક શિવ બાબાની જાન ગોરીને લઈને જ્યારે આ વર્ષે કાશીમાં આવશે ત્યારે આ વખતે સિન્થેટિક ગુલાલનો પ્રયોગ નહિં કરવામાં આવે. બાબાને ફૂલો અને જુદી જુદી કૂંપણોથી બનેલાં પાંચ આભૂષણ તેમજ હર્બલ અબીલ અર્પિત કરવામાં આવશે. આ દિવસે બાબા વિશ્વનાથ સ્વયં ભક્તો સાથે હોળી રમે છે. કાશીમાં આ દ્રશ્ય એક અલગ જ સંભારણું બની જાય છે.

કાશીમાં છેલ્લાં 350 વર્ષથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડો. કુલપતિ તિવારીના ઘરે 350 વર્ષો સુધી સતત રંગભરી એકાદશીના દિવસે પાલખીમાં વિરાજમાન બાબા વિશ્વનાથ અને માતા પાર્વતી તેમજ ગણેશની ચાંદીની પ્રતિમાઓના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે. સાંજે બાબાની પાલખી ઉઠે તે પહેલા ભભૂતની હોળી રમવામાં આવે છે. તે પછી શોભાયાત્રા નિકળે છે. જે મહંતના નિવાસસ્થાનથી વિશ્વનાથ મંદિર સુધી જાય છે. તેમાં હજ્જારોની સંખ્યામાં ભક્તો અબીલ અને ગુલાલની છોડો ઉડાતતા જોવા મળે છે. ગર્ભગૃહમાં પ્રતિમાઓ સ્થાપિત કરીને હોળી રમ્યા પછી વિશેષ સપ્તર્ષિ આરતી થાય છે.

શિવ દેખાશે રાજસી વસ્ત્રોમાં…

ગૌરીની જાનમાં મહાદેવ અલગ જ વેશભૂષામાં જોવા મળે છે. તેઓ પરંપરાહત રીતે ખાદીના રાજસી વસ્ત્રો ધારણ કરે છે. બાબાના વસ્ત્ર તૈયાર કરનારા બીજી પેઢીના ટેલર માસ્ટર કિશન લાલે રૂપેરી જરીની કિનાર વાળો બાબાનો કૂર્તો અને ગૌરી માટે જરીની કિનાર વાળી સાડી તૈયાર કરી છે. શિવ બાબાની પાઘડી પણ એવી જ સુશોભિત હોય છે.

કાશીમાં રંગભરી એકાદશીના દિવસે ઉત્સવ મનાવવામાં આવે છે. સાથે સાથે વધામણીના ગીતો ગાવામાં આવે છે. જેમાં વૈદિક મંત્રોનો સાથે ગોરીને મોળિયો ચુંદડી ચઢાવવામાં આવે છે. ઘરેણાં ચઢાવાય છે. ગૌરીનું આણું વળાવવામાં આવે છે. શિવજી જમાઈ તરીકે તેડવા ગયેલા શિવજીનું સ્વાગત કરવામાં આવે છે. 108 ડમરુઓની ગર્જના, શંખનાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. તે કાશીને વિશેષ ભવ્યતા પ્રદાન કરે છે.

આ મામલે મંદિર સંચાલક ગણનું કહેવું છે કે ગૌરીની જાનના સમયે લઈ જવાતી ચાંદીની પ્રતિમાઓની સાથે ભક્તો પર ઉડાડવામાં આવતા અબીલ આ વખતે હર્બલ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ચંદનનું ચૂર્ણ ભેળવવામાં આવશે. કહેવાય છે ભગવાન કૃષ્ણ પણ ગોપીઓ સાથે કેસુડાના ફૂલથી હોળી રમતા હતા.

Related posts

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીધિ માટે જામનગરમાં 15 લાખ લોકોનો સંપર્ક કરાશે

Nawanagar Time

હનુમાનજી કરે છે દરેક સમસ્યાઓને દૂર, પણ કરવી જોઈએ ભક્તિ આ રીતે

Nawanagar Time

દ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી

Nawanagar Time

Leave a Comment