Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં કાશ્મીરીઓ રાતવાસો કરી ગયાં ! વાડીનારથી મળ્યા

kashmiri-people-roamed-in-jamnagar-meet-the-vadinar

બેડેશ્ર્વરના રેનબસેરામાં બે મહિલા, ચાર પુરૂષ અને ત્રણ બાળકો સામાન રેઢો છોડી ગૂમ થતાં કોર્પોરેશન, પોલીસ સ્ટાફ ધંધે લાગ્યો

જામનગર:-જામનગરના બેડેશ્ર્વર સ્થિત મહાનગર પાલિકાના રૈન બસેરામાં ‘રેઢા રાજ’ વચ્ચે ગઈકાલે રાત્રે કોઈપણ જાતના આઈડેન્ટિટી પ્રુફ આપ્યા વગર જ 9 કાશ્મીરી રાતવાસો કરી પલાયન થઈ જતાં એલસીબી અને એસઓજી સહિતની ટીમ ધંધે લાગી હતી. જો કે, રાત ઊજાગરા કરી એસઓજી, એલસીબીએ તપાસનો ધમધમાટ કરી આ નવે’ય કાશ્મીરીઓને વાડીનારથી શોધી કાઢ્યા છે અને જામનગર લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, એક કોર્પોરેટરના માણસની ભલામણને આધારે આ નવે’ય કાશ્મીરીઓને રૈનબસેરામાં આશરો અપાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગર મહાનગર પાલિકા દ્વારા બેડેશ્ર્વર વિસ્તારમાં રેનબસેરા બનાવાયું છે જેમાં હાલના ઠંડીના સમયમાં નિરાધાર અથવા ભિક્ષુકો વગેરે આશ્રય લે છે રાત્રીના સમયે આવે છે જયારે સવારના સમયે પરત ચાલ્યા જતા હોય છે જે તમામનું એક રજીસ્ટર નિભાવવામાં આવે છે અને પ્રતિદિન રાત્રી રોકાણ કરવા માટે આવ્યા પછી તમામની રજીસ્ટરમાં સહી લેવામાં આવેલ છે. જેમાં શનિવારે તા.5-1-2019ની રાત્રીના રેનબસેરામાં કુલ 13 આશ્રિતો આશરો લેવા માટે આવ્યા હતાં અને તમામની સહી લેવામાં આવી હતી, જેમાં 9 કાશ્મીરી લોકોમાં 4 પુરુષો, બે મહિલા અને 3 બાળકો સહીતના 9 જેટલા સભ્યો પણ આશરો લેવા માટે આવ્યા હતાં, જેઓએ અંગ્રેજી ભાષામાં સહી કરી હતી. જેથી તમામ એજયુકેટેડ હોવાનું જણાતા ફરજ પર હાજર રહેલા મહાનગર પાલિકાના કર્મચારી દ્વારા તેઓ કયાંના વતની છે તે અંગે પુછતા તમામ જમ્મુ કાશ્મીરના વતની હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજય બહારથી આવતા અને રાત્રે આશરો લેનારા લોકોના આઇડી પ્રુફ માંગવામાં આવે છે જેથી તેઓના પણ આઇડી પ્રુફ આપવાનું કહેતા સવારે ઝેરોક્ષ કરીને આપશું તેમ કહી રાતવાસો કરી લીધો હતો, ત્યાર પછી પોતાના ધાબળા સહીતનો કેટલોક સામાન રાખીને વહેલી સવારે તમામ લોકો એકાએક ગાયબ થઇ ગયા હતાં જે રવિવારે રાત્રીના 10 વાગ્યા સુધી પરત નહીં આવતા અને પોતાના સામાનની દરકાર નહીં કરતાં તેમજ આઇડી પ્રુફ જમા નહીં કરાવતા મહાનગર પાલિકાના ફરજ પરના કર્મચારીને શંકા જતા ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી જેથી રાત્રીના 10 વાગ્યે જામનગર મ્યુ.કોર્પો.ના રેનબસેરાના ઇન્ચાર્જ અને દબાણ હટાવ શાખાના અધિકારી રાજભા ચાવડા તેમજ સુનીલભાઇ ભાનુશાળી બેડેશ્ર્વર દોડી ગયા હતાં અને પોલીસની મદદ લીધી હતી.

બીજી તરફ સેનાના હેડકવાર્ટર ઉપરાંત રિલાયન્સ જેવી જાયન્ટ ઈન્ડસ્ટ્રીના કારણે સેન્સેટિવ ગણાતા જામનગર જિલ્લામાં 9-9 કાશ્મીરીઓ રાતવાસો કરી પલાયન થઈ જતાં એસઓજી અને એલસીબી દ્વારા આ ગંભીર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને રાત ઊજાગરા કરી આ કાશ્મીરીઓને વાડીનારથી શોધી કાઢવામાં આવ્યા હતાં. જો કે, હાલમાં આ  તમામ ભીક્ષુવૃત્તિ માટે આવ્યા હોવાનું રટન કરે છે. હાલમાં કાશ્મીરીઓને જામનગર લાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

હવે પરીક્ષા મા ચોરી પડશે વધું ભારી..બોર્ડની પરીક્ષામાં સીસી ટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ કરાશે

Nawanagar Time

કાલાવડમાં હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં કાર્યકરોનું સંમેલન યોજાયું

Nawanagar Time

વીજરખીમાં રહેણાંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Nawanagar Time

Leave a Comment