Nawanagar Time
ખંભાળિયા

લેન્ડ ગ્રેબિંગનો દ્વારકામાં સૌપ્રથમ નોંધાયો ગુન્હો નોંધાતા ધરપકડ

ખંભાળિયા : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ તથા ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર દ્વારા છેલ્લા થોડા સમયથી ગુજસીટોક બાદ લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ નવા લેન્ડ ગ્રેબિંગના અસરકારક કાયદાનો પ્રથમ ગુનો મંગળવારે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. જેમાં એક ટ્રસ્ટની જગ્યા રાખીને બે વિપ્ર મહિલાઓ દ્વારા મુદ્દત વીત્યા પછી પણ કરોડો રૂપિયાની કિંમતની આ જગ્યાનો કબજો ટ્રસ્ટને પરત ના સોંપીને તેમજ જગ્યા માટેની ચુકવવાપાત્ર રકમ ન આપી, અન્ય ત્રણ શખ્સોની મદદગારી મેળવી, આ જગ્યા પચાવી પાડવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલા વારીયા બાલમંદિર ટ્રસ્ટના સંચાલકો દ્વારા આ ટ્રસ્ટની માલિકીની જમીન કાયદાકીય પ્રક્રિયા તથા કરાર કરી અને શૈક્ષણિક હેતુસર ભાણવડના રહીશ અને આશાદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા આરતીબેન દીપકભાઈ પંડિત તથા કૃપાબેન રસિકલાલ ઠાકરને આપી હતી.

આ મહિલાઓ દ્વારા વારીયા બાલમંદિર ટ્રસ્ટની જમીનમાં કરાર મુજબ શૈક્ષણિક હેતુ સિવાયની અન્ય કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત આ જમીન પરત સોંપણી અંગેનો કરાર ગત તારીખ 31 મે 2020 ના રોજ પૂર્ણ થઈ ગયો હોવા છતાં આ મહિલાઓ દ્વારા ટ્રસ્ટને તેઓની જમીન પરત કરી ન હતી. આટલું જ નહીં, જે- તે સમયે જમીન સોંપણીની શરતોમાં દર્શાવવામાં આવેલા મેન્ટેનન્સ ચાર્જ વિગેરે મળી કુલ રૂપિયા સોળ લાખ એકાવન હજાર સાતસો બ્યાંસીની ચડત રકમ પણ આ મહિલાઓ દ્વારા ચુકવવામાં આવી ન હતી.

ઉપરોક્ત બન્ને મહિલાઓ દ્વારા ટ્રસ્ટની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના સાજણ ગઢવી, ભોગાત ગામના રામા ગઢવી, તથા અમદાવાદના રહીશ એવા નિલેશ નામના એક શખ્સની મદદગારી મેળવી, ગુનાહિત કાવતરું રચીને વારિયા બાલમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અલગ અલગ સમયે ફોન ઉપર તેમજ રૂબરૂ ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવી હતી.

આમ, ભાણવડના ટ્રસ્ટની કિંમતી જમીન પચાવી પાડવા ઈરાદે પરત ના સોંપીને કરવેરાના રૂ. 16.52 લાખ પણ ન ભરવા સબબ આખરે ભાણવડના રહિશ અને ટ્રસ્ટના પ્રમુખ તેમજ વકીલાતનો વ્યવસાય કરતા બળદેવભાઈ મશરીભાઈ વારોતરીયાએ ભાણવડ પોલીસ મથકમાં વિવિધ આધાર પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવી છે. જેથી ભાણવડ પોલીસે આરતીબેન પંડિત, કૃપાબેન ઠાકર, ખંભાળિયાના સાજણ ગઢવી, ભોગાતના રામા ગઢવી અને અમદાવાદના નિલેશ સામે આઇ.પી.સી. કલમ 406, 420, 120(બી), 504, 506, તથા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓની ખરાઇ કરી અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ રાજકોટના રહીશ અને મુળ ભાણવડના આરતીબેન દીપકભાઈ પંડિત અને ભાવિનભાઈ જાનીના પત્ની કૃપાબેન રસિકલાલ ઠાકરની વિધિવત રીતે ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાયા બાદ બન્નેને જામનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કલ્યાણપુર પંથકના પરિવારને બદનામ કરવાનો હિન પ્રયાસ

Nawanagar Time

દ્વારકામાં પરપ્રાંતિય યુવાન ઉપર હુમલો: મહિલા સહિત ચાર સામે રાવ

Nawanagar Time

ખંભાળિયા પાલિકાનું છ લાખનું બજેટ 60 કરોડે પહોંચ્યું તો’ય સુવિધાના ઠેકાણા નથી

Nawanagar Time