Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર લોકસભા બેઠકમાં માડમ v/s માડમ?

madam-v-s-madam-at-jamnagar-lok-sabha-seat

ભાજપના પૂનમબેન માડમ સામે કોંગ્રેસ મિત્તલબેન માડમ (ગોરીયા)ને ઉતારવાનો ખેલ

કાકા (વિક્રમભાઈ)ને ભત્રીજીએ હરાવ્યાં હતાં, હવે ફુઈ (પૂનમબેન)ને ભત્રીજી હરાવશે ??

જામનગર:-લોકસભાની ચૂંટણીની તારીખ માર્ચમાં જાહેર થવા જઈ રહી છે, ત્યારે જામનગરમાં આ વખતે ‘કાંટે કી ટક્કર’ થાય થઇ તેવા સંજોગો  ઉભા થયા છે અને બન્ને પક્ષો ‘માડમ વિરુદ્ધ માડમ’ પરિવારને  મેદાનમાં  ઉતરે તો નવાઈ નહિ. જો એવું થશે તો જામનગરની સિટ પર ભારે રાજકીય ગરમાવો અને રસાકસી જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે જામનગરના વર્તમાન સાંસદ પૂનમબેન માડમને ફરી જામનગરની સિટ પરથી બીજેપીની ટિકેટ મળે તેવું લાગી રહ્યું છે અને નજીકના સૂત્રો તો એમ પણ જણાવે છે કે પૂનમબેનને ટિકિટ અંગે કહી પણ દેવામાં આવ્યું છે ત્યારે પૂનમબેનની સામે જામનગરના પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય વિક્રમ માડમે ઠેબાની સભામાં  લોકસભાની  ચૂંટણી ન લડવાની  જાહેરાત કરી દીધાં બાદ હવે કોંગ્રેસમાંથી બીજા કોણ ? એ પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે.

રાજકીય તજજ્ઞોનું માનીએ તો પૂનમબેન માડમની સામે પ્રવિણભાઈ માડમના દીકરી મિત્તલબેન માડમ (ગોરિયા)ને કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ મોવડી મંડળ આ  બાબતને  લઈને ગંભીર વિચાર પણ કરી રહ્યું છે અને રાજકીય સમીકરણનો અભ્યાસ પણ કરી રહ્યું છે.

મિત્તલબેન માડમ (ગોરિયા) ગળથુંથીમાં જ રાજકારણની ઘુટ્ટી લઈને અવતર્યા છે. એટલે પિયરપક્ષનો પરિવારમાં રગેરગમાં રાજકારણ વહે છે. તો બીજી તરફ મિત્તલબેનના સાસરિયાપક્ષના પરિવારજનો પણ વર્ષોથી રાજકારણ ક્ષેત્રમાં સક્રિય છે. મિત્તલબેન પૂર્વ મેયર પ્રવિણભાઈ માડમના પુત્રી છે અને જીતેન્દ્રભાઈ (લાલભાઈ) ગોરિયાના પત્ની છે.

ગોરિયા પરિવાર પણ રાજકારણ સાથે વર્ષોથી સંકળાયેલો છે. મિત્તલબેનના કાકાજી સસરા જેશાભાઈ ગોરિયા ‘રાજપા’ સરકારમાં મંત્રી હતા, તો બીજા કાકાજી સસરા મેરામણભાઇ ગોરિયા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને દાદાજી સસરા મારખીભાઈ ગોરિયા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મિત્તલબેન માડમ ગોરિયા ખૂદ નવા બનેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખપદે રહી ચૂક્યા છે એટલે રાજકારણની આંટીઘૂંટીએ પણ સારી રીતે  જાણે છે.

સાથોસાથ તેમના પતિ જીતેન્દ્રભાઈનું ગોરિયા પરિવાર ખંભાળિયા, કલ્યાણપુર અને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ગ્રામ્ય વિસ્તારમાં અને પિયરપક્ષ માડમ પરિવાર જામનગર જિલ્લામાં સારૂં પ્રભુત્વ ધરાવે છે  અને બંને પક્ષનો લાભ અને તેમની જ જ્ઞાનનો  લાભ પણ મિત્તલબેન માડમને મળી શકે તેમ છે. જો કોંગ્રેસ મિત્તલબેનને ટિકિટ આપશે તો (માડમ) પરિવાર વિરુદ્ધ માડમ પરિવાર વચ્ચે લોકસભાની જામનગરની સિટ ‘કાંટે કી ટક્કર’ બની રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. જો કે,  હજુ ભાજપ તરફથી પણ પૂનમબેન માડમને ભાજપની ટિકિટ આપી દેવામાં આવશે તે કહેવું થોડું વહેલું છે.

Related posts

જામનગર શહેરમાં પાણીની તંગી વચ્ચે ઝીંકાયો પાણીકાપ

Nawanagar Time

જિલ્લા જેલમાં એક માસમાં 250 કેદીઓના ઈ-મનીઓર્ડર આવ્યા

Nawanagar Time

ધ્રોલ-જોડિયાને અછતમુક્ત જાહેર કરાયા, ઊંડમાં નવા નીર

Nawanagar Time

Leave a Comment