Nawanagar Time
જામનગર

જામનગર મહાપાલિકાની ચૂંટણી લડવા એનસીપી મેદાને

જામનગર: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી લડવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બાદ હવે એનસીપી પણ મેદાને આવી છે. આજે એનસીપીના પ્રદેશ અગ્રણી રેશમા પટેલ સહિતના આગેવાનોએ જામનગરમાં સંકલ્પ પત્ર જાહેર કરી જો એનસીપી સત્તા સ્થાને આવશે તો દરરોજ પાણી વિતરણ, વૉર્ડ વાઈઝ ફરિયાદ પેટી અને પ્રજાના પ્રશ્ર્નોના નિકાલ માટે દરેક વૉર્ડમાં જનતા દરબાર યોજવા સહિતનો કોલ આપ્યો હતો.

આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ રાજકી પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આજરોજ અત્રેના રણજીત સાગર રોડ ઉપર એનસીપીના પ્રદેશ અગ્રણી રેશમા પટેલ અને સાથી આગેવાનો દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો હતો. આ સંકલ્પ પત્રમાં આગામી ચૂંટણીમાં જો એનસીપી સત્તા સ્થાને આવે તો જનતાને લલાટે લખાયેલા કાયમી પાણીકાપને હટાવી દરરોજ પાણી વિતરણ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરીજનોના પ્રશ્ર્નોના નિકાલ લાવવા દરેક વૉર્ડમાં ફરિયાદ પેટી મૂકી અને દરેક વૉર્ડમાં જનતા દરબારનું આયોજન કરવામાં આવશે તેવો કોલ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમસ્યાઓના નિરાકરણ માટે કૉલ સૅન્ટર શરૂ કરવા પણ જાહેર કરાયું હતું.

એનસીપી દ્વારા શહેરના સર્વાગી વિકાસ ઉપરાંત જીઆઈડીસી વિસ્તારમાં વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો. આજની આ બેઠકમાં એનસીપીના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ-કાર્યકરો પણ હાજર રહ્યાં હતાં.

Related posts

જામનગરમાં ફરી લૉકડાઉન

Nawanagar Time

વર્ચ્યુઅલ સંવાદમાં કોરોનાની પરિસ્થિતિની છણાવટ કરતા પૂનમબેન માડમ

Nawanagar Time

ખંભાળિયા: શિક્ષિકાની બદલી માટે લાંચ માંગનાર શિક્ષકનો પુત્ર એસીબીની ઝપટે

Nawanagar Time