‘બેટી તો ધનની પેટી..’, ‘પુત્રી તો તુલસીનો ક્યારો..’, ‘બાળકી એટલે લક્ષ્મીજીનો અવતાર..’, ‘દીકરી તો વ્હાલનો દરિયો..’ કોણ જાણે કેટલીયે કહેવત દીકરી ઉપર બનાવવામાં આવી છે. પહેલાંના જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી અને દીકરાને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. હાલ પણ સમાજમાં એવા લોકો મળી જાય છે કે, જે માત્ર પુત્રને જ મહત્વ આપતાં હોય છે. જો કે, પુત્રી પ્રાપ્તિ માટે માનતા રાખતાં હોય એવા યુગલ પણ જોવામાં આવે છે જે ખરેખર સરાહનીય છે. પુત્રીની કામના કર્યા બાદ પુત્રીનું અવતરણ થયાં બાદ તેને લાડ-કોડથી ઉછેરવામાં આવે છે અને ક્રુર સમાજે બનાવેલા નિયમો અનુસાર તેણીને અન્યત્ર સોંપી દેવામાં આવે છે… અંતે એવી પણ ક્રુર કહેવત છે કે, દીકરી તો પારકું ધન!
દીકરીના લગ્ન લેવાય ત્યારે માતા-પિતા સહિત ઘરના અન્ય સભ્ય આનંદ અને દુ:ખની મિશ્ર લાગણી અનુભવતાં હોય છે, આ લાગણી તો એ જ પિતા અનુભવે જેના ઘરે પુત્રીના વિવાહનો પ્રસંગ હોય! દીકરીના લગ્નની તૈયારી તો પિતા તેણીના જન્મથી જ તૈયારીએ લાગી જતો હોય છે. આપણાં દેશમાં દીકરીઓના લગ્ન સમારોહમાં દહેજની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જો કે, હાલના યુગમાં આ પ્રથાનો વિરોધ નવી પેઢી કરી રહી છે, પરંતુ પિતા પોતાની યથાશક્તિ પુત્રીને કંઈકને કંઈક આપતો જ હોય છે.
આજે આપણે વાત કરવાના છીંએ પોતાની વ્હાલસોઈ દીકરીઓના લગ્નના કરિયાવરમાં ઝેરીલા સર્પ આપવાની પ્રથા વિશે… હા, બરાબર જ વાંચ્યું છે. મધ્યપ્રદેશમાં વસવાટ કરતો એક એવો સમુદાય છે જે પોતાની પુત્રીને કરિયાવરમાં એક-બે નહીં પૂરા એકવીસ ઝેરીલા સર્પ આપે છે! આ સમુદાય મધ્યપ્રદેશમાં વસવાટ કરતાં આ સમુદાયને ગૌરિયા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે, આ જ સમુદાયમાં એકવીસ ઝેરીલા સર્પ કરિયાવર રૂપે આપવાની પ્રથા આજે પણ અમલી છે! તેઓ માને છે કે, જો એકવીસ ઝેરીલા સાપ નહીં આપે તો પોતાની વ્હાલસોઈના લગ્ન લાંબો સમય નહીં ચાલે અને છૂટ્ટાછેડા થશે! ઉલ્લેખનિય છે કે, આ સમુદાયનું મુખ્ય કામ સાપ પકડવાનું છે અને સર્પ થકી જ તેઓનું ગુજરાન ચાલે છે.
ગૌરિયા સમુદાયના કોઈ પણ વ્યક્તિના ઘરે પારણું બંધાય અને એ પારણાંમાં જો પુત્રી હોય તો એ વ્યક્તિ તે જ ક્ષણથી ઝેરીલા સર્પ એકત્ર કરવાનું શરૂ કરી દે છે, જે રીતે સામાન્ય લોકો પોતાની પુત્રી માટે પૈસા અને દાગીના એકત્ર કરવામાં લાગી જાય છે! તેઓનું માનવું છે કે, જો એકવીસ ઝેરીલા સર્પ જમાઈને આપીશું તો પોતાની દીકરી ખૂબ જ સુખ-ચૈનથી તે ઘરમાં રહેશે અને તેમનો સંસાર સુખેથી થશે.