Nawanagar Time
ઇતિહાસ

ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ

27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ અપહરણકાંડની આ ઘટનાએ ભારતની પ્રતિષ્ઠાને પૂર્ણ રીતે ખરડી નાખી અને ભારતના માન-સન્માન ઉપર કૂઠારાઘાત થયો હતો.

વાત જાણે એમ છે કે, ર7, ઓકટોબર-2009ને મંગળવારના રોજ રાબેતા મુજબ ભુવનેશ્ર્વર રાજધાની પોતાના નિયત સમય એટલે કે, 9:30 વાગ્યે ભુવનેશ્ર્વરથી દિલ્હી તરફ રવાના થઈ. ધીમે-ધીમે ટ્રેનની ગતિ વધી રહી હતી અને અંદાજે 2:45 કલાકે બાસ્તોલા પાસે પહોંચી. બાસ્તોલા એટલે પશ્ર્ચિમ બંગાળના પશ્ર્ચિમી મેદનીપુર, ઝારગ્રામથી લગભગ દસે’ક કિલોમીટર પહેલાં આવે છે.

જે સ્થાન ઉપર સ્વયં વિશ્ર્વકર્માજી મહેરબાન હોય તેમ અખૂટ નૈસર્ગિક સૌંદર્યના ખજાના સમો આ વિસ્તાર ઘરઘોર જંગલોથી ઘેરાયેલું છે. આ સ્થાનની હરિયાળી ઊંચા-ઊંચા વૃક્ષો, વનરાઈ અને પંખીઓનો કલરવ, જેનું નસીબ ખૂબ જોર કરતું હોય એ જ વ્યક્તિ આ વિસ્તારના આહલાદક આનંદને માણી શકે.

જો કે, 27મી ઓકટોબર-2009ના રોજ આ ટ્રેનમાં સવાર થયેલાં યાત્રિકોના નસીબમાં નૈસર્ગિક સૌંદર્ય નહોતું, પરંતુ ખૂબ જ ભયાનક ઘટના તેમની રાહ જોઈ રહી હતી! ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ટ્રેનમાં સવાર થયેલાં યાત્રિકો જાણતાં નહોતાં કે, આવનારા કલાકોમાં શું થવાનું છે?

નજીકના જ રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેન પસાર થઈ હતી તેથી બાસ્તોલા નજીક પહોંચ્યા સુધી ટ્રેનની ખાસ સ્પીડ નહોતી, ટ્રેન પોતાની રફતાર પકડે તે પહેલાં જ ડ્રાઈવરનું ધ્યાન પડ્યું કે, રેલવે ટ્રેક ઉપર એક વિશાળકાય ઝાડ પડ્યું છે. સાથે જ ડ્રાઈવરે જોયું કે, આગળની ટ્રેક ઉપર આ પ્રકારના અનેક ઝાડ પડેલાં છે. આ ઝાડની સાથે જ લાલ ઝંડા પણ ડ્રાઈવરની નજરે પડ્યાં. જો કે, ડ્રાઈવરને એવું લાગ્યું કે, કદાચ આગળ ખતરો છે એવો સંકેત કરવા માટે કોઈએ લાલ ઝંડા મૂક્યા હશે. હવે ડ્રાઈવર પાસે ઈમરજન્સી બ્રેક મારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

ટ્રેન થોભતાંની સાથે જ 10-12 નહીં પરંતુ ચારસો સાડા ચારસોની સંખ્યામાં નકસલી પોતાના હાથમાં ભાલા, તલવાર લાકડીઓ સહિતના અન્ય તિક્ષ્ણ હથિયાર લઈને ટ્રેન ઉપર તૂટી પડ્યાં અને ટ્રેનને ઘેરી લીધી. ઉલ્લેખનિય છે કે, આ સમયે 1200 કરતાં પણ વધુ યાત્રિકો આ ટ્રેનમાં ઉપસ્થિત હતાં, એમના જીવ ટાળવે ચોંટી ગયાં હતાં! થોડી જ વારમાં લોકો સમજી ગયાં કે, આ ટ્રેનનું અપહરણ થઈ ચૂક્યું છે. કંધહાર વિમાન હાઈજેકની ઘટના હજુ પણ લોકોના મન-મસ્તિસ્કમાં તાજી જ હતી!

હકીકતમાં ‘નકસલી પીપલ્સ કમિટી અગેન્સ્ટ પોલીસ એટ્રોસિટી (પીસીપીએ) માઓવાદીઓના હાથમાં હવે આ ટ્રેનના ક્ધટ્રોલ આવી ચૂક્યાં હતાં. આ માઓવાદીઓની એક જ માંગ હતી કે, પોતાના છત્રોધર મહેતો નામના નેતાને તાત્કાલિક ધોરણે મુકત કરી દેવામાં આવે.

પોતાની માંગણી સાથે ટ્રેનના એસી કોચના કાચનો ભૂક્કો બોલાવી દીધો અને યાત્રિકોને ઘેરી લીધાં હતાં. હથિયારો સાથેના નકસલીઓને જોઈને યાત્રિકો ફફડી રહ્યાં હતાં, પરંતુ આ નકસલીઓને તેમની દયા ન આવી. ઉલ્લેખનિય છે કે, આ ટ્રેનમાં નાના-નાના ભૂલકાઓથી માંડીને વયોવૃદ્ધો, મહિલાઓ, અપંગો એમ દરેક પ્રકારના યાત્રિકોનો સમાવેશ થતો હતો.

નકસલીઓએ ટ્રેનનું અપહરણ કરી લીધાની ઘટનાની જાણ દિલ્હી સુધી પહોંચતાની સાથે જ ખળભળાટ મચી ગયો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, તે સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કેન્દ્રમાં શાસન કરી રહી હતી અને રેલ મંત્રી હતાં હાલના પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી! નકસલીઓની માંગણી હતી કે, તેઓની સાથે વાટાઘાટ કરવા માટે રેલમંત્રી મમતા બેનર્જી આવે.

એ સમયે બંગાળના મુખ્યમંત્રી હતાં બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કે જેઓએ નકસલીઓની માંગણીને માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આખરે ટ્રેનને મુકત કરાવવા માટે આરપીએફની ટીમને મોટી સંખ્યામાં રવાના કરવામાં આવી અને આ વાતની જાણ થતાં જ નકસલવાદીઓ ધીમે-ધીમે ટ્રેનમાંથી ભાગવા માંડ્યા, પરંતુ આ ટ્રેન લગભગ સાડા પાંચ કલાક સુધી નકસલીઓના કબજામાં રહી.

આ દિવસ ભારતની પ્રતિષ્ઠા માટે ખૂબ જ કાળો સાબિત થયો અને ‘રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ’ના નામથી આજે પણ આ ઘટનાને લોકો યાદ કરે છે.

Related posts

નવરાત્રી અને વિજ્ઞાન: માત્ર મેજિક નહીં લોજિક પણ

Nawanagar Time

આ જગ્યાએ છે મહિસાસુર અને માતાજીએ કરેલા યુદ્ધના નિશાન, આસ્થા સાથે થાય છે આરતી

Nawanagar Time

દેશના જુદા જુદા રાજ્યમાં આ રીતે ઉજવાય છે નવરાત્રિ

Nawanagar Time