વિદ્યાર્થી મિત્રો હોય કે નોકરિયાત વર્ગ… સૌનો પ્યારો વાર એટલે રવિવાર! ખાસ કરીને નોકરી કરતાં મિત્રો આતૂરતા પૂર્વક રવિવારની રાહ જોતાં હોય છે. આખું અઠવાડિયું ખૂબ મહેનત કર્યા બાદ એક દિવસ એવો આવે છે કે, એ દિવસ આરામથી ઘરે પડ્યાં રહેવું… મોડું ઉઠવું અને ઉઠ્યાં બાદ ઘડિયાળ સાથે કોઈ પ્રકારનો સંબંધ જ નહીં! જો કે, આઝાદી પહેલાંનો સમય એવો હતો કે, કામદારોને એક પણ દિવસની રજા મળતી નહોતી, 365 બાય 7 કામ કરવું પડતું હતું. વિચારો, એ લોકોની સ્થિતિ… આજે નોકરિયાતોને એક દિવસનો તો આરામ મળે છે, આ દિવસે કોઈ જાતના માનસિકત તનાવ વગર દિવસ પસાર કરવાનો કેવો આનંદ હોય છે. શું તમોએ ક્યારેય વિચાર્યું છે કે, ભારત દેશમાં રવિવારની રજાની પ્રથા ક્યારે પડી? તો ચાલો, આજે આપણે જાણીએ આપણાં પ્યારા રવિવાર વિશે…
કામગારો કાયમી માટે કાર્યમાં લિપ્ત રહેતાં હતાં, એક પણ દિવસની રજા મળતી ન હોવાના કારણે સાપ્તાહિક રજા મેળવવા અર્થે આખા દેશમાં આંદોલનો ફાટી નીકળ્યાં. જો કે, આ આંદોલનના બીજ કોણે રોપ્યાં હતાં એ કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેને રવિવારની રજા માટેનો શ્રેય આપી શકાય કારણ કે, લોખંડેએ બ્રિટીશરો સામે સાપ્તાહિક લડતનું બ્યૂગલ ફૂંક્યું હોવાનું કહેવાય છે. સાપ્તાહિક રજા મેળવવા માટે લોખંડેએ બ્રિટીશરોના દાંત ખાટાં કરી નાખ્યાં હતાં અને સમગ્ર આંદોલનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ખૂબ લાંબુ ચાલેલું આ આંદોલન એટલું જલદ હતું કે, હતું કે, આખરે 1890ની 10મી જૂનના રોજ બ્રિટીશરોએ હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં અને તે જ દિવસે ભારતના સામાન્ય કામદારો માટે રવિવારનો રજાના દિવસ નક્કી કરાયો હતો અને એ દિવસને રજાના દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મોટી સંખ્યામાં ભારતના મજૂરો કાપડ સિવાય અન્ય અનેક મીલોમાં બંધવા મજૂરની હૈસિયતથી કામ કરતાં હતાં, આ બદનસીબ ભારતીય મજૂરોને સપ્તાહના સાતે’ય દિવસ મજૂરી કરવી પડતી હતી, સાપ્તાહિક રજાનું કોઈ પ્રાવધાન તે સમયમાં નહોતું. અઠવાડિયામાં એક પણ દિવસ રજા ન મળતી હોવાના કારણે મજૂરો પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતાં નહોતાં અને આ કારણે ધીમે-ધીમે મજૂરો ડિપ્રેશનનો શિકાર થવા માંડ્યાં હતાં. આખરે લડાયક મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેએ આ સમસ્યાને દૂર કરવા માટેનો નિર્ધાર કર્યો અને સાપ્તાહિક રજા માટેના આંદોલનનો પ્રારંભ કર્યો અને આ આંદોલન એક જબરદસ્ત ચળવળ તરીકે સામે આવવા લાગ્યું.
સૌ પ્રથમ તો નારાયણ મેઘાજી લોખંડેએ અંગ્રેજ શાસકો પાસે સાપ્તાહિક રજા મેળવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ રક્ત ચૂસવા ટેવાયેલાં અંગ્રેજોએ લોખંડેના આ માનવીય પ્રસ્તાવને ઠૂકરાવી દીધો. આ ઘટના બનતાંની સાથે જ લોખંડે સમજી ગયાં કે, સાપ્તાહિક રજા મેળવવાનું કાર્ય એટલું સહેલું નથી, કદાચ આ માંગણીની પરિપૂર્તિ માટે લોહી પણ રેડવું પડશે!
આખરે લડાયક નેતા લોખંડેએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને આ આંદોલનને જલદ બનાવવા માટે એક-પછી-એક કામદારો લોખંડેના નેતૃત્વમાં આગળ વધતાં ગયાં. આ આંદોલન એક-બે નહીં, પરંતુ સાત-સાત વર્ષ સુધી ચાલ્યું. આ દરમિયાન કામદારોને લાઠીચાર્જથી માંડીને પગાર કપાત સુધીના પણ પગલાંનો સામનો કરવો પડ્યો, પરંતુ લોખંડનેના નેતૃત્વમાં રહેલાં કામદારો ટસના મસ ન થયાં. આખરે અંગ્રેજોને હાર માનવી પડી અને પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરવી પડી. લાંબી વાટાઘાટો બાદ આખરે રવિવારને સાપ્તાહિક રજાનો દિવસ નક્કી કરવો પડ્યો. એવું નહોતું કે, આ પહેલાં રવિવારે રજાનું કોઈ પ્રાવધાન નહોતું, રજા મળતી હતી પરંતુ માત્ર સરકારી કર્મચારીઓ જ રજાનું સુખ ભોગવતાં હતાં!
ખ્રિસ્તી સમાજના લોકો રવિવારના દિવસે ચર્ચમાં જાય છે
મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેના પ્રયાસોના કારણે કામગારોને માત્ર રવિવારની જ નજા ન મળી, પરંતુ બપોરે જમ્યા બાદ અડધો કલાક વિરામ લેવાની પણ તક મળી! લોખંડેના અથાક પ્રયાસોના કારણે કામગારો જ્યારે બપોરનું ભોજન લે ત્યારે અડધો કલાક વિશ્રામ મળે એવી પણ વ્યવસ્થા પ્રાપ્ત થઈ, જે આ પહેલાં નહોતી! ઉલ્લેખનિય છે કે, ખ્રિસ્તી સમાજના લોકો રવિવારના દિવસે ચર્ચમાં જાય છે અને આ દિવસે તેઓની આસ્થાનુસાર પ્રાર્થના કરે છે, તેથી ખ્રિસ્તીઓમાં રજાનો દિવસ રવિવાર હોય છે.