Nawanagar Time
જામનગર ગ્રામ્ય

દ્વારકાના ચરકલા પાસેથી કુંજ પક્ષીનો શિકાર કરતા બે ઝડપાયાઃ બે ફરાર

દ્વારકા જિલ્લાના ચરકલા નજીકના રણ વિસ્તારમાંથી મોડીરાત્રે રેન્જ ફોરેસ્ટ ઓફિસના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે પેટ્રોલિંગ કરી બે શખ્સોને કુંજ પક્ષીનો શિકાર કરતા પકડી પાડયા છે. જ્યારે બે નાસી છૂટવામાં સફળ થયા છે. ગ્રામજનોના સહયોગથી કરવામાં આવેલી કામગીરીમાં ઝાળમાં ફસાયેલા છ પક્ષીઓને મુક્ત કરાવાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મરીન નેશનલ પાર્કના ફોરેસ્ટ ઓફિસર તેમજ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન તથા જામનગરના મુખ્ય વન સંરક્ષક દ્વારા ગઈકાલે પૂર્વ બાતમીના આધારે દ્વારકા જિલ્લાના ઓખામઢી-ચરકલા સોલ્ટ રણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

આ ટૂકડીની સાથે આજુબાજુના કેટલાક ગામોના યુવાનો અને કચેરીનો સ્ટાફ પણ જોડાયો હતો. મોડીરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન જ્યારે આ ટૂકડી ગુરગઢ તરફના ચરકલા સોલ્ટના રણ વિસ્તાર પાસે પહોંચી ત્યારે કુંજ પક્ષીઓનો અવાજ સંભળાતા મરીન નેશનલ પાર્કના અધિકારીઓ વહેમાયા હતા. તેઓએ આ દિશામાં તપાસ કરતા કેટલાક શખ્સો કુંજ (કરકરા) પક્ષીઓને પતંગ સાથેની ઝાળમાં ફસાવી તેઓનો શિકાર કરવાની કોશિષ કરતા હોવાનું જણાયું હતું.

આથી અધિકારીઓએ દોટ મૂકી પ્રકાશ ફેલાવતા ચોંકી ઉઠેલા શિકારીઓ પૈકીના બે શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે દ્વારકા તાલુકાના રૃપેણ બંદર પર વસવાટ કરતા સલીમ જુસબ ઈશબાની અને ફિરોઝ જમાલ ઈશબાની નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતા. તેઓના કબજામાંથી મળી આવેલી ઝાળમાં જીવ બચાવવા માટે તરફડિયા મારતા છ કુંજ પક્ષી પણ સાંપડયા હતા. તેઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરે મુક્ત કરાવી ચારેય શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ ૨ તથા ૯ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Related posts

લાલપુરના નાંદુરી ગામે ભૂ-માફિયાઓ ફાટીને ધૂમાડે

Nawanagar Time

જામજોધપુર પાલિકામાં વિપક્ષની તડાપીટ

Nawanagar Time

પાયામાં ભ્રષ્ટાચાર ધરબાયેલા લાલપુર પીએચસીના બાંધકામનો કડુસલો

Nawanagar Time

Leave a Comment