Nawanagar Time
ટેક્નોલૉજી

ઈ-આશીર્વાદ! ભારત સરકારની વિવિધ ઉપયોગી ઍપ્લિકેશન્સ

ટેકનોલોજી ક્ષેત્રે વિશ્ર્વ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભારતના ડિઝીટલ સપના પૂરા કરવા માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યાં છે. ડિઝીટલ ભારત અભિયાનને પોષણ આપવા માટે ભારતની સરકારી ઍપ્લિકેશન ‘ઈન્ડિયન ગવર્નમેન્ટ ઍપ્લિકેશન’ વિશે જાણીએ. આ ઍપ્લિકેશન દ્વારા નાગરિકોને અનેક સુવિધાતો મળે જ છે સાથે-સાથે જીવનમાં પણ સરળતા પ્રાપ્ત થઈ શકે છે. ભારતીય નાગરિકોને પાસપોર્ટથી માંડીને ચૂંટણી સંદર્ભેના ડૉક્યુમૅન્ટસ ઉપરાંત અન્ય બાબતોએ હવે ભારત ડિઝીટલ થઈ રહ્યું છે. સરકારી વિભાગ સાથે જોડાયેલા અનેક કાર્યો તેમજ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની સેવાઓ માટે પણ ઍપ્સને લૉન્ચ કરવામાં આવી છે. તો આજે આપણે આજે એવી જ ઉપયોગી સરકારી ઍપ્સ ઉપર દૃષ્ટિપાત કરીએ.

એમપરિવહન એપ્લિકેશન
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ ઍપનો હેતુ એ છે કે, જો નાગરિકો પરિવહન સંબંધિત દસ્તાવેજ રાખવા માંગતા હોય તો આ ઍપ તેમના માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઍપ દ્વારા આપ આપનું લાયસન્સ તેમજ વાહનની આરસીબુકને ડિઝીટલ સ્વરૂપમાં સાચવીને રાખી શકો છે. કાર અથવા બાઈકની નોંધણી પ્રમાણપત્રની ડિઝીટલ કૉપી બનાવી શકાય છે ઉપરાંત કારની નોંધણીની વિગતોથી માંડીને જૂની કાર સંબંધી ચકાસણી આ ઍપના માધ્યમથી કરી શકાય છે. સેક્ધડ હેન્ડ કાર ખરીદવા માટે આ ઍપ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, આ ઍપ દ્વારા આપ વાહનને લગતી તમામ જાણકારી ઘરે બેઠાં-બેઠાં પ્રાપ્ત કરી શકો છો.

ઈ – પાઠશાળા
માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને એનસીઈઆરટીએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઈ-પાઠશાળા નામની મજેદાર ઍપ્લિકેશન શરૂ કરી છે, આ ઍપ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામની છે. આ ઍપ મારફતે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર-મોબાઈલ કે ટેબ્લેટ મારફતે તેમના કોર્સ, પુસ્તકો અને અન્ય અભ્યાસક્રમની સામગ્રીઓ વિનામૂલ્યે વાંચી શકે છે. ‘ભાર વિનાના ભણતર’ સૂત્રને સાર્થક કરતી આ ઍપ્લિકેશન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. ઈ-બુકસને વિદ્યાર્થી-અધ્યાપકો તેમજ વાલીઓ દ્વારા મૉબાઈલ, કૉમ્પ્યુટર સહિતના ઉપકરણોના માધ્યમથી ઉપયોગ કરીશકે છે. વપરાશકર્તાઓ માટે આ ઍપ્લિકેશન ખરેખર ખૂબ જ મહત્વની છે. ઉલ્લેખનિય છે કે, આ એપ્લિકેશનમાં વપરાશકર્તાઓ ઝૂમ, બુકમાર્ક, હાઇલાઇટ, નેવિગેટ, શેર પિંચ, સિલેક્શન, હાઇલાઇટ અને ટેક્સ્ટ-ટુ-સ્પીચ ઉપરાંત ઘણા વિકલ્પો આપે છે, જેનાથી વપરાશકર્તાઓને તેમાંથી વાંચવા માટે સરળતા રહે છે.

ઈનક્રેડિબલ ઇન્ડિયા એપ્લિકેશન
પર્યટન સ્થળોને ધ્યાનમાં રાખીને આ ઍપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિઝીટલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘ઈનક્રેડિબલ ઇન્ડિયા એપ્લિકેશન’ ઍપ્લિકેશનને લોંચ કરવામાં આવી છે. આ ઍપની મદદથી લોકો યાત્રા કરી રહ્યાં છે અને સારો એવો ફાયદો પ્રાપ્ત કરી રહ્યાં છે. વિવિધ ફરવા લાયક સ્થળોની સંપૂર્ણ માહિતી આ ઍપના માધ્યમથી મેળવી શકાય છે. રાજ્યના આકર્ષણો, માહિતી પણ આ ઍપ પૂરી પાડે છે. ઉપરાંત આ ઍપ્લિકેશન અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. આ ઍપની વિશેષતા એ છે કે, તે વ્યવસ્થિત રીતે તમામ રાજ્યોના પર્યટન સ્થળો અને દાર્શનિક-આકર્ષક સ્થળોની માહિતી બતાવવામાં આવે છે જેની મદદથી સરળતાથી પર્યટન સ્થળો વિશે માહિતી મેળવી શકાય છે. આ પર્યટન સ્થળ ઉપર કેવી રીતે પહોંચવું? માર્ગની માહિતી ઉપરાંત જે સ્થળે જવાનું છે તે સ્થળ અને તમારા ઉપસ્થિત સ્થળ વચ્ચે કેટલું અંતર છે? સહિતની લગત માહિતી આ ઍપના માધ્યમથી તમો બહુ સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો. ટૂંકમાં આ ઍપને ટુરીસ્ટ ગાઈડ કહીશું તો પણ અતિશ્યોક્તિ નથી!

આઇઆરસીટીસી
ભારત સરકાર દ્વારા તરતી મૂકાયેલી આ ઍપ્લિકેશન લોકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે આના દ્વારા લોકો ઝડપથી અને સરળતાપૂર્વક વ્યવહાર કરી શકે છે. ઑનલાઈન રેલવે ટિકિટ હોય કે હવાઈ ટિકિટ ખરીદી શકે છે આટલું ઓછું હોય હોટલ બૂક કરવા માટે પણ આ ઍપ્લિકેશન અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા
કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેકટ એટલે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ આ ઍપ વેપારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ ઍપ મારફતે વેપારીઓ ઈકોસિસ્ટમ સંબંધિત માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ ઍપ્લિકેશન મારફતે વપરાશકર્તા બહુ સહેલાઈથી સ્ટાર્ટઅપ સંબંધી તમામ સરકારી યોજનાઓ વિશે સરળતાથી માહિતી પ્રાપ્ત કરી શકે છે.

જીએસટી રેડ ફાઇન્ડર
શરૂઆતમાં જીએસટીના દર અંગે ઉદ્યોગકારો મૂંઝવણમાં મૂકાયાં હતાં કારણ કે, અલગ-અલગ વસ્તુઓ અને સેવાઓના દર તેઓ યોગ્ય રીતે સમજી શકતાં નહોતાં. જો કે, વેપારીઓ અને ઉદ્યોગકારોની આ તકલીફને દૂર કરવા માટે ‘જીએસટી રેટ ફાઈન્ડર’ ઍપ્લિકેશનને લૉન્ચ કરવામા આવી હતી. આ ઍપ્લિકેશનની મદદથી લોકો માલ સામાનથી માંડીને સેવાઓ અંગેના જીએસટી દરની જાણકારી બહુ સહેલાઈથી મેળવી શકે છે. ટૂંકમાં હવે જીએસટીના દર જાણવા માટે લોકોએ ભટકવાની જરૂર નથી, તમારા મૉબાઈલમાં આ ઍપ ઈન્સ્ટોલ કરી લીધાં બાદ બહુ સહેલાઈથી તમને મૂંઝવતા પ્રશ્ર્નોના જવાબો મેળવી શકાય છે. ગૂગલ એપ્લિકેશન અથવા પ્લે સ્ટોર પર જઈને આ એપ્લિકેશનને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આવકવેરા પુલ આયકર સેતુ
ઈન્કમટેકસ વિભાગની સેવાઓ જાણવા માટે આ ઍપ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. વપરાશકર્તાઓ ઑનલાઈન ટેકસની ચૂકવણી કરી શકે છે, પેન અરજી કરી શકે છે આ ઉપરાંત ટેકસની ગણતરીમાં આ ઍપ મદદરૂપ થઈ શકે છે. વધુમાં આ ઍપ્લિકેશનમાં ચૅટબૉકસ પણ ઉપલબ્ધ કરાવાયું છે જેના દ્વારા કરદાતાઓ પોતાના પ્રશ્ર્નોના જવાબ મેળવી શકે છે.

ઇન્ડિયન પોલીસ એર્ટ યોર કોલ એપ
આ ઍપ્લિકેશનનું નામ વાંચતાની સાથે જ આ ઍપનો હેતુ બહુ સહેલાઈથી સમજાઈ શકે તેમ છે. આ ઍપના માધ્યમથી લોકો તેમના લૉકેશનથી પૉલીસ સ્ટેશન બહુ સહેલાઈથી શોધી શકે છે. નજીકના પૉલીસ મથકનું અંતર તેનો રસ્તો સહિતની જાણકારી આ ઍપ દ્વારા જાણી શકાય છે. આ ઍપ મારફતે તમો ડિસ્ટ્રીક્ટ ક્ધટ્રોલ રૂમ અને એસપી ઑફિસના નંબર પણ મેળવી શકો છે, મુસીબતના સમયમાં આ ઍપ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. જ્યારે જાન-માલના નુકસાનની સંભાવના હોય ત્યારે આ ઍપ્લિકેશન મારફતે તમો પોલીસને મદદ માટે બોલાવી શકો છો. આ ઉપરાંત આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને તમો પોલીસને કૉલ પણ કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, આ ઍપ જીપીએસ સિસ્ટમ ઉપર કામ કરે છે. જો આ ઍપને તમો તમારા મૉબાઈલમાં ઈન્સ્ટોલ કરી લેશો તો હંમેશા સુરક્ષિત હોવાની ભાવના ઉત્પન્ન થયાં વગર રહેતી નથી. આ એપને 4-5 વાર ટચ કરતા જ 4-5 પોલીસ સ્ટેશન વિશેની માહિતી સેકંડમાં પ્રાપ્ત થશે.

Related posts

અજાણતા અને નિર્દોષભાવથી કરેલી ક્રિયાની ગુનેગારો દ્વારા કરવામાં આવતી પ્રતિક્રિયા એટલે સાઇબર ક્રાઇમ

Nawanagar Time

પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકો: હવે ફંડ ટ્રાન્સફર પર બે ટકા ચાર્જ લાગશે

Nawanagar Time

હવે ચોરટાઓ પણ થઈ રહ્યાં છે ડિઝિટલ !

Nawanagar Time