Nawanagar Time
જામનગર

જામનગરમાં અકસ્માતમાં પ્રેમીનું મોત થતાં પ્રેમિકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વ્હાલું કર્યું

જામનગર: જામનગરમાં એક-મેકના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી યુગલ પૈકી યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં પ્રેમીના વિરહમાં યુવતિએ પણ ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. વિધિની વક્રતા તો એ છે કે, આ પ્રેમી યુગલને એક થવા માટે યુવતિના પરિવારજનોએ લગ્નની મંજૂરી આપ્યાના ગણતરીના દિવસોમાં જ યુવકનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને પોતાના પ્રિય પાત્રના વિરહમાં યુવતિએ પણ જીવનનો અંત આણતાં આ પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થનગર શેરી નં.4માં રહેતી કાજલબેન બીજલભાઇ વઘોરા નામની 21 વર્ષની યુવતીએ ગઇકાલે વહેલી સવારે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર પહોંચી જઈ ટ્રેનના એન્જિન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ટ્રેનની જોરદાર ટક્કર લાગવાના કારણે તેણી ગંભીર રૂપે ઘાયલ થઈ હતી, અને બનાવના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતાં પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક યુવતી કાજલબેન કે જે જામનગરમાં રહેતા વિકાસ નામના અન્ય એક યુવાન સાથે પ્રેમ કરતી હતી, અને બંને ના પ્રેમ સંબંધને પરિવારજનોએ મંજૂરી આપી હતી અને તાજેતરમાં જ બંનેના લગ્ન યોજાયા હતા. પરંતુ ચાર દિવસ પહેલા ગત 25મી તારીખે પ્રેમી યુવાન વિકાસનું વાલ્કેશ્વરી નગરી નજીક બાઇક અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું.

જેનો પ્રેમિકા કાજલને ખૂબ જ આઘાત લાગ્યો હતો, અને પ્રેમી ની પાછળ તેણીએ પણ પોતાનો જીવ દેવાનું નક્કી કર્યું હતું. અને આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. આ બનાવને લઇને મૃતકના પરિવાર માં ભારે કરુણાંતિકા છવાઇ છે. સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

Related posts

કાનાલુસમાં માનસિક બીમાર વૃદ્ધાનો આપઘાત

Nawanagar Time

બિહાર તેમજ અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં ઝંઝાવાતી મોદી લહેર

Nawanagar Time

ટ્રેન ચાલકની કારકિર્દી અંગે રસપ્રદ માહિતી મેળવતા વિદ્યાર્થીઓ

Nawanagar Time