Nawanagar Time
સ્વાદ પકવાન

ખાદ્ય પદાર્થો અસલી છે કે કેમ? આ રીતે જાણી શકાશે!

હિન્દી ફિલ્મ ‘સ્વર્ગ સે સુંદર’માં કાદરખાનનું પાત્ર ‘મિલાવટરામ’ તૌ સૌને યાદ હશે જ… કે જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતો હતો! કાદરખાને પોતાની દમદાર અદાથી પ્રેક્ષકોના મન મોહી લીધાં હતાં, પરંતુ શું તમો જાણો છો તમો જે ઘરમાં ખાદ્ય પદાર્થો ખરીદીને લાવો છો તેમાં પણ ભેળસેળ હોઈ શકે છે? જીરૂ હોય, ચોખા, દાળ, દૂધ હો કે પનિર હોય દરેક ખાદ્ય પદાર્થોમાં કેટલાંક લોકો ભેળસેળ કરીને વેંચતા હોય છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાના કારણે શરીર ઉપર પ્રતિકૂળ અસર થાય છે અને લોકો અન્યની નાણાં કમાવવાની મહત્વકાંક્ષાના કારણે બિમાર પડી રહ્યાં છે. ટૂંકમાં મનુષ્ય પોતાની મહેનતના પૈસા આવા મિલાવટખોરોને આપી રહ્યાં છે અને પોતે બૉગસ અને બનાવટી ખાદ્ય પદાર્થ પોતાના પેટમાં ધકેલી રહ્યાં છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોના સેવનના કારણે શરીરમાં પથરી થવી, રોગ પ્રતિકારક શક્તિને દુષ્પ્રભાવ થવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. હવે સવાલ એ થાય છે કે, આ પ્રકારના મિલાવટવાળા ખાદ્ય પદાર્થોને ઓળખવા કઈ રીતે? શું દરેક ચીજ વસ્તુને લૅબોરેટરીમાં તો મોકલી ન શકાય તો કરવું શુું? તો આજે આપણે એવી રીત ઉપર નજર નાખીએ કે જેના કારણે આપણે જાણી શકીએ કે, ખરીદાયેલો ખાદ્ય પદાર્થ અસલી છે કે નકલી?

તેલ
આપણે ગુજરાતીઓ શાક, દાળ-ભાત ન હોય અને ફકત રોટલી હોય તો અથાણા સાથે પણ પેટ ભરી લેતાં હોઈએ છીંએ, પરંતુ અથાણું બનાવવા માટે આપણે જે સરસવનું તેલ વાપરીએ છીએ તેની ઓળખ કરવી પણ ખૂબ જ જરૂરી છે. તેલ અસલી છે કે કેમ? તેની ઓળખ આમ તો મુશ્કેલ કાર્ય છે, પરંતુ કેટલીક ટૅક્નિક જોઈએ. અસલી સરસવના તેલની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે, આ તેલના કારણે આંખમા બળતરા પણ થવા લાગે છે. જો તેલના ટીપાને હાથ ઉપર ઘસવાથી તે રંગ છોડવા લાગે તો સમજી લેજો કે, આ તેલ નકલી છે. ગમે તેવી ઠંડી હોય તો પણ આ તેલ ક્યારેય ગંઠાતું નથી. જો આ તેલ ઠંડીની સિઝનમાં ગંઠાવા લાગે તો સમજી લેવું કે આ તેલ નકલી છે.

ચોખા
ખાવામાં એક સમય રોટલી નહીં હોય તો ચાલશે, પણ ભાત ખાઈશું નહીં તો જમ્યાં જ નથી એવી અનુભૂતી થાય છે માટે ચોખાની અસલિયત પણ જાણી લેવી જરૂરી છે. આજકાલ મિલાવટખોરો ચોખાની બનાવટમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવા લાગ્યાં છે. અસલી ચોખા પાક્યા પછી નરમ થઈ જાય છે અને નકલી ચોખા પાક્યા બાદ પણ કડક રહેતાં હોય છે. અસલી ચોખા પાણીમાં તરતા નથી અને નકલી ચોખા પાણીમાં તરવા લાગે છે.

ઘી
ભારતીયો ઘીને શક્તિવર્ધક માને છે, પરંતુ અનેક દાવાઓ વચ્ચે ઘીની ઓળખ કરવી જરૂરી છે. કારણ કે, શક્તિ વધારવા ઘી દાબવામાં આવે તો શરીરના બાર વાગી જાય! ઘીમાં થોડાં પ્રમાણમાં એટલે કે, એકા’દ ચમચી હાઈડ્રોકલોરિક ઍસિડ નાખી દેવાથી જો ઘીનો રંગ લાલ થઈ જાય તો એ ઘી નકલી હોવાનું સમજી લેજો વધુમાં ઘી હાથમાં લઈને ઘસી જૂઓ ત્યાર બાદ તેમાંથી સુગંધ લેવાનો પ્રયાસ કરો જો સુગંધ ઉડી જાય તો સમજી લેવાનું આ ઘી નકલી છે. ઘી બનાવવા માટે ‘મિલાવટરામો’ બટાકાનો પણ ઉપયોગ કરતાં હોય છે. તેથી જો બટાકાની સુગંધ આવે તો કહેવાની જરૂર નથી કે તે ઘી નકલી છે!

જીરૂ
બજારમાંથી ખરીદાયેલું જીરૂ અસલી છે કે કેમ? તેની જાણકારી મેળવવા માટે સૌથી પહેલાં એક નાનકડા બાઉલમાં પાણી અને જીરૂ બન્ને નાખી દો, આમ કરવાથી જો જીરૂ પોતાનો રંગ છોડવા માંડે-નરમ થવા માંડે અને ધીમે-ધીમે તે તૂટવા લાગે તો સમજી લેજો કે, આ જીરૂ નકલી છે! ઉપરાંત નકલી જીરામાં અસલી જીરાની જેમ સુગંધ પણ આવતી નથી.

દૂધ
દૂધને સંપૂણ આહાર તરીકે સ્વિકૃતિ મળી છે, પોતાના બાળકોને મજબૂત અને નિરોગી રાખવા માટે હંમેશા માતાઓ દૂધનો ગ્લાસ લઈને બાળકોની પાછળ-પાછળ દોડતી હોય છે, પરંતુ તમો જાણો છો દૂધમાં મિલાવટની 90 ટકા સંભાવના હોઈ શકે છે? ચોખ્ખા અને અસલી દૂધનો સ્વામ મીઠો હોય છે જ્યારે નકલી દૂધમાં પાવડરના કારણે થોડું કડછું લાગે છે. પથ્થર ઉપર દૂધના ચાર-પાંચ ટીપાં નાખીને ચકાસો જો દૂધની ધાર નીચેની તરફ આવે અને તેનું નિશાન બનવા લાગે તો તે દૂધ શુદ્ધ છે એવું સાબિત થાય. દૂધને વાસણમાં રેડીને ચમચાથી બરાબર હલાવો જો દૂધ નકલી હશે તો તેમાંથી ફીણ થશે.

માવો
સામાન્ય રીતે માવાનો ઉપયોગ તહેવારોમાં વિશેષ થતો હોય છે, રજાનો માહોલ હોય અને તહેવારોમાં અલગ-અલગ ખાદ્ય પદાર્થો માવામાંથી બનાવીને આરોગવામાં આવતાં હોય બિમારીને આમંત્રણ આપવા કરતાં માવાની ગુણવત્તા ચકાસી લેવી સારી! માવાની અસલી ઓળખ માટે માવાને નખથી ઘસો જો માવો અસલી હશે તો તેમાં ઘીની સુગંધ આવવા માંડશે વધુમાં માવામાં ખાંડ નાખીને ગરમ કરો જો તે પાણી છોડવા માંડે તો સમજી લો કે, આ માવો નકલી છે.

Related posts

15 મિનિટમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બોમ્બે હલવો

Nawanagar Time

ઘરે જ બનાવો પ્રસાદમાં ખવાતો સ્વાદિષ્ટ થોર

Nawanagar Time

આ રીતે 4 વેરાયટી માં બનવો ફ્રૂટ્સમાંથી બનતો ‘જેલી-બેલી મઠો’

Nawanagar Time